સિટી સર્વેનો સર્વેયર રૂ. ૧૬,૫૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

વડોદરા : વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલી સિટી સર્વેની કચેરીમાં મેઇન્ટેનન્સ સર્વેયર તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ રાજને રૂ. ૧૬,૫૦૦ની લાંચ લેતા ગુરુવારે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડતા કોઠી કચેરીમાં આવેલી સરકારી કચેરીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાંચ લેતા ઝડપાયેલા વર્ગ- ૩ના આ કર્મચારીએ એક પ્રોપર્ટી કાર્ડ દીઠ ૧૫૦૦ પ્રમાણે ૧૧ પ્રોપર્ટી કાર્ડના રૂ. ૧૬,૫૦૦ ની લાંચ માંગી હતી.

એસીબીએ આરોપીના ઘરે સર્ચ કરી તેનું એક બેન્ક એકાઉન્ટ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પીઆર ગેહલોટે માહિતી આપતા જણાવ્યું કે, શહેરના આજવા રોડ ઉપર આવેલી સી-૧૨, કિસ્મત સોસાયટીમાં રહેતા તાહિરભાઇ અલીહુસેન વ્હોરા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. તેમણે કોઠી ચાર રસ્તા પાસે આવેલી સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ-૩માં વારસાઇ મિલકતમાં પરિવારના ૧૧ નામો ચઢાવી પ્રોપર્ટી કાર્ડની ૧૧ નકલો મેળવવા માટે અરજી કરી હતી.

મૂળ સાવલી તાલુકાના પોઇચા ગામના વતની અને હાલમાં એ-૨, નારાયણ કૃપા સોસાયટી, ગોત્રી ખાતે રહેતા અને કોઠી ચાર રસ્તા પાસે આવેલી સીટી સર્વેની કચેરીમાં મેઇન્ટેનન્સ સર્વેયર તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ નટવરસિંહ રાજને તાહિરભાઇ વ્હોરા મળ્યા હતા. મેઇન્ટેનન્સ સર્વેયરે આ કામ માટે એક એન્ટ્રી અને એક નકલના રૂ. ૧૫૦૦ પ્રમાણે રૂ. ૧૬,૫૦૦ની માગણી તાહીરભાઇ પાસે કરી હતી.મદદનીશ નિયામક પીઆર ગેહલોટે વધુમાં જણાવ્યું હતું કે, તાહીરભાઇ વ્હોરા લાંચ આપવા માગતા ન હતા.

આથી તેઓએ તા. ૧૦-૨-૨૦૧૬ના રોજ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઇ જીડી પલસાણાએ સ્ટાફની મદદ લઇ સિટી સર્વેની કચેરીમાં છટકુ ગોઠવી મેઇન્ટેનન્સ સર્વૈયર પ્રદિપસિંહ રાજને તાહિરભાઇ વ્હોરા પાસેથી રૂ. ૧૬,૫૦૦ની લાંચ લેતા ઝડપી પાડી ધરપકડ કરી હતી. બીજી બાજુ ભરૂચ એસીબી પીઆઇ પી.ડી. બારોટે તેમના વડોદરા સ્થિત નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. સર્ચમાં તેઓના નામના મહારાષ્ટ્ર બેન્કનું મળી આવેલ એકાઉન્ટ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમ મદદનીશ નિયામકે વધુમાં જણાવ્યું હતું.

You might also like