ગાંધીનગરમાં ન્યૂયોર્ક-મોસ્કોની પેટર્ન પર સિટી સ્કવેર બનશે

અમદાવાદ: અમદાવાદીઓ માટે અત્યંત નજીક હરવા-ફરવા માટેનું એક નવું જાહેર સ્થળ ઊભું થવા જઇ રહ્યું છે. ન્યૂયોર્ક અને મોસ્કોમાં વિશ્વવિખ્યાત બનેલા સિટી સ્કવેરની પેટર્ન પર રૂ.૧૦૦૦ કરોડના ખર્ચે ગાંધીનગર ટ્વિન  સિટી, સેક્ટર-રર ખાતે આકાર લેશે. આ પ્રોજેક્ટ સાકાર થતાં જ હરવા-ફરવાના સ્થળ તરીકે એક વધુ આઇકોનનાે ઉમેરો થશે.

સિટી સ્કવેર એટલે એક જ સ્થળે તમામ પ્રકારની લોકોપયોગી મનોરંજક સુવિધાઓ ધરાવતો આ કોન્સેપ્ટ વિદેશમાં અત્યંત લોકપ્રિય છે, જેમાં ઓપન એર થિયેટર, સે‌લિબ્રેશન પ્લાઝા, વોક-વે, જો‌ગિંગ ટ્રેક, ફીચર વાેલ, મ‌િલ્ટ-સ્પેશિયાલિટી પેવે‌િલયન, ગાર્ડન, ફૂડ કોર્ટ, શોપિંગ આર્કેડ, ગ્રીન વોલ વિથ વોટર ફીચર, એડ્વેન્ચરપાર્ક, સેન્સરી ગાર્ડન, સેન્સરી વોલ, દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા જેવી સુવિધાઓ હોય છે.

અત્યાર સુધી કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, અક્ષરધામ, મહાત્મા મંદિર વગેરે હરવા-ફરવાના સ્થળ તરીકેની ઓળખ છે. જ્યારે દાંડી કુ‌‌ટિર, ગાંધીઆશ્રમ, ગિફટ સિટી એ વૈશ્વિક ઓળખ છે.

હાલમાં ન્યૂયોર્ક, મોસ્કો, બીજિંગ, વે‌ટિકન-લંડન, મેક્સિકો, પુરુગ્વે, મોરક્કો, પ્રાગ, ચેક રિપ‌િબ્લક જેવા દેશોમાં સિટી સ્કવેર અત્યંત લોકપ્રિય છે. ટાટા કન્સલ્ટન્સીને સિટી સ્કવેર પ્રોજેક્ટની ડિઝાઇન સહિતની જવાબદારી સોંપવામાં આવી હતી.

કંપની દ્વારા પ્રોજેક્ટ પ્લાન-એ‌સ્ટિમેટ રિપોર્ટ વગેરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાઇ ચૂક્યાં છે. પ્રોજેક્ટની કિંમત ૧૦૦૦ કરોડ અંદાજવામાં આવી છે, જે પૈકી શરૂઆતના તબક્કે રૂ.૧૦૦ કરોડ ખર્ચવામાં આવશે. ર૪,૪૪૮ ચોરસ મીટર વિસ્તારમાં ‌આ સિટી સ્કવેર ઊભું કરાશે.

અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન નિહાળવામાં આવ્યું હતું. હવે દરખાસ્તને મંજૂરી મળે તે માટે આખરી તબક્કાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરાશે.

હાલમાં આ સ્થળે માત્ર નવરાત્રી મહોત્સવનાં આયોજન થાય છે. આ જમીનની માલિકી માર્ગ-મકાન વિભાગ એટલે કે સરકારની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ જમીનની માગણી સરકાર પાસે કરશે. તે અંગેની દરખાસ્ત સરકારમાં રજૂ કરી દેવાઇ છે.

You might also like