શહેરની ૬૦ શાળાઓ ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવશે

અમદાવાદ: શહેરની જાણીતી ખાનગી અને ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમની ૬૦થી વધુ શાળાઓ આગામી શૈક્ષણિક વર્ષથી ધો.૩ અને ધો.૪ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય અંગ્રેજી માધ્યમમાં ભણાવશે. રાજ્યભરમાં થર્ડ પાર્ટી ઇવોલ્યુશન ગ્લોબલ ગુજરાતી માધ્યમ પાઇલટ પ્રોજેકટ ગત વર્ષથી અમલી કરાયો છે. જેમાં શહેરની ર૦થી વધુ શાળાઓએ પાઇલટ પ્રોજેકટ હેઠળ ધો.૩ અને ધો.૪માં ગણિત-વિજ્ઞાન અંગ્રેજીમાં ભણાવવાનું શરૂ કર્યું છે. આ પ્રોજેકટમાં સફળતા મળતાં હવે વધુ ૬૦ શાળાઓએ આ પ્રમાણે ભણાવવાની મંજૂરી માગતા વિભાગે તેમને મંજૂરી આપી દીધી છે.

ગ્લોબલ ગુજરાતી માધ્યમ પાઇલટ પ્રોજેકટ હેઠળ બંને વિષય અંગ્રેજી માધ્યમમાં ભણાવવાના કારણે ધો.૧ર પછી લેવાથી એન્ટરન્સ એકઝામમાં વિદ્યાર્થીઓને સરળતાથી પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપી શકશે. આ ટ્રાન્ઝેકશન મેથડ માટે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઇઆરટી) હેઠળ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ધો.૧૦ સુધી ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં ભણાવાશે. આ બંને વિષયની ધો.૧૦ની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવા માટે બોર્ડની પણ મંજૂરી અપાશે. વર્ષ ર૦૧૮-૧૯થી તમામ પ્રાથમિક શાળાઓમાં ધો.૧ અને ૩માં ભાષા સિવાયનાં પુસ્તકો એનસીઇઆરટી મુજબ ભણાવાશે જેના માટે પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું વિભાગ દ્વારા શરૂ પણ કરી દેવાયું છે. ધો.૧થી ૮માં ગણિતનો વિષય અને ધો.૬થી ૮માં વિજ્ઞાનનો વિષય એનસીઇઆરટી પેટર્નથી ગુજરાતીમાં ભણાવવાનું શરૂ કરાશે.

You might also like