શહેરનાં હેરિટેજ મકાનો પર ખતરો યથાવત્ઃ ‘ટીડીઆર’ પ્રોજેક્ટ ફ્લોપ

અમદાવાદ: ૬૦૦ વર્ષ જૂનું એવું ઐતિહાસિક આપણું અમદાવાદ દેશનું સૌપ્રથમ વર્લ્ડ હ‌ેરિટેજ સિટી છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારના કાષ્ઠ શૈલીના હેરિટેજ મકાન તેમજ હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સંગમ સમાન સ્થાપત્યોને કારણે અમદાવાદને આવું ગૌરવ પ્રાપ્ત થયું છે, પરંતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓ હજુ સુધી હેરિટેજ અસ્મિતાને લઇને પૂરેપૂરા ગંભીર બન્યા નથી.

તંત્રનો મહિનાઓ અગાઉનો ટીડીઆર (ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ)નો ફલોપ શો આનું ઉત્તમ ઉદાહરણ છે. હેરિટેજ મકાનની જાળવણી માટે નાગરિકને અપાતા ટીડીઆર સર્ટિફિકેટ લેવા આંગળીને વેઢે ગણાય તેટલી અરજી તંત્રને મળી છે.
હેરિટેજ મકાનો પરનો ખતરો યથાવત્ રહ્યો હોઈ મ્યુનિ. સત્તાવાળાઓએ આવાં મકાનોની જાળવણી માટે નવેસરથી કોઈ નક્કર યોજના લાવવી પડશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.

ગત તા.૮ સપ્ટેમ્બર ર૦૧૭ને યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સૌપ્રથમ વર્લ્ડ હ‌ેરિટેજ શહેર જાહેર કરાયું તે વખતે સ્વાભાવિકપણે સમગ્ર શહેરમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. કોટ વિસ્તારમાં તો લોકો રીતસરના ઝૂમી ઊઠયા હતા અને મીઠાઇ વહેંચીને આપસમાં મોં મીઠાં કર્યાં હતાં.

દેશના દિલ્હી અને મુંબઇ જેવાં અન્ય ઐતિહાસિક શહેર સાથેની સ્પર્ધામાં અમદાવાદ દેશનું પ્રથમ વર્લ્ડ હ‌ેરિટેજ સિટી બન્યાનું ગૌરવ પ્રાપ્ત કરતાં ગુજરાતભરમાં હરખની લાગણી છવાઇ ગઇ હતી. અમદાવાદને દેશના પ્રથમ વર્લ્ડ હ‌ેરિટેજ સિટીનાે દરજ્જો પ્રાપ્ત થતાં રાબેતા મુજબ ઉત્સવ અને ઉજવણીના તાયફા શોખીન શાસકોએ પણ કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન ઘડી કાઢયું હતું, પરંતુ રાજ્યભરમાં તૂટેલા રસ્તાનું કૌભાંડ ગાજતાં તેના પર છેવટે પડદો પડયો હતો.

આજના વર્લ્ડ હ‌ેરિટેજ ડે નિમિત્તે મેયર ગૌતમ શાહના હસ્તે હેરિટેજ વોકનું આયોજન કરાયું છે. આજે સવારે કાલુપુરના સ્વામિનારાયણ મંદિરથી આ હેરિટેજ વોકનો પ્રારંભ કરાયો હતો, પરંતુ વર્લ્ડ હ‌ેરિટેજ ડેે નિમિત્તે આ પ્રકારે હેરિટેજ વોક, હેરિટેજ વીકની ઉજવણીનું નાટક કરીને સત્તાધીશો ગૌરવ અનુભવે છે. બીજી તરફ ખરા અર્થમાં હેરિટેજનું જતન-જાળવણી તરફ ઉત્સાહ દાખવતા નથી અથવા તો ટીડીઆર જેવા મામલે આરંભે શુરા થઇને પછીથી પાણીમાં બેસી જાય છે.

કોટ વિસ્તારમાં હેરિટેજ શ્રેણીમાં આવતાં મકાનનાં જતન-જાળવણી માટે દેશમાં પ્રથમ વખત નાગરિકોને ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ અપાયાના ઢોલ નગારાં વગાડનાર તંત્ર આજે ટીડીઆરને જાણે કે ભૂલી ગયું છે. હેરિટેજ મકાનની શ્રેણી મુજબ જે તે મિલકત ધારકને ટીડીઆર સર્ટિફિકેટ અપાય છે.

જો પ્રથમ શ્રેણીનું હેરિટેજ મકાન હોય તો તેવા કિસ્સામાં મિલકત ધારકને ૧૦૦ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા હેરિટેજ મકાનની જાળવણી કે રંગરોગાનના ખર્ચને સરભર કરવા અન્યત્ર વિસ્તારમાં પ૦ ટકા એટલે કે પ૦ ચોરસ મીટરનું ટીડીઆર અપાય છે. જેને બજારમાં વેચીને મિલકતધારક આવક રળી શકે છે. દ્વિતીય શ્રેણીનાં હેરિટેજ મકાનમાં ૩૦ ટકા ટીડીઆર અપાય છે.

અમદાવાદને વર્લ્ડ હ‌ેરિટેજ સિટી જાહેર કરાયું ન હતું તેના મહિનાઓ પહેલાં એટલે કે વર્ષ-સવા વર્ષ અગાઉ તંત્રે ટીડીઆર યોજના જાહેર કરી હતી. તે સમયે મેયર ગૌતમ શાહના હસ્તે બે નાગરિકોને ટીડીઆર સર્ટિફિકેટ અપાયાં હતાં અને આજ દિન સુધી છ ટીડીઆર સર્ટિફિકેટ અપાયાં છે. જ્યારે તંત્ર પાસે હાલમાં ટીડીઆર સર્ટિફિકેટ મેળવવાની માત્ર સાત-આઠ અરજી પ્રોસેસમાં છે.

આધારભૂત વર્તુળો કહે છે કે હજુ સુધી કોટ વિસ્તારના નાગરિકોને ટીડીઆર માટે તંત્ર જાગૃત કરી શકયું નથી. કોટ વિસ્તારમાં પ્રથમ અને બીજી શ્રેણીનાં ઐતિહાસિક મૂલ્ય ધરાવતાં રર૩૬ હેરિટેજ મકાન હોઇ અંદાજે પાંચ ટકા હેરિટેજ મકાન ધારક પણ સ્વખર્ચે પોતાના મકાનની જાળવણી કરીને તેના બદલામાં ટીડીઆર લેવા આગળ આવ્યા ન હોઇ આ યોજનાનાે પૂરેપૂરો ફિયાસ્કો થયો છે.

You might also like