શહેરના રસ્તા પરના કચરાનાં મોટાં કન્ટેનર હવે ગાયબ થશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલના સત્તાવાળાઓ દ્વારા કચરો એકઠો કરવા શહેરભરમાં અંદાજે એક હજાર મોટાં કન્ટેનર મુકાયાં છે, જોકે રસ્તા પર મુકાયેલાં આ કન્ટેનર અનેક આળસુ નાગરિકોના કારણે ઉકરડા બન્યાં છે. જેના કારણે શાસકોએ રસ્તા પરની કન્ટેનર સિસ્ટમને ક્રમશઃ નાબૂદ કરવાની દિશામાં હિલચાલ આરંભી છે.

કન્ટેનરને વ્યવસ્થિત રીતે મૂકવાની અને તેને સમયસર ઉપાડવાની જવાબદારી જે તે ઝોનના હેલ્થ વિભાગના વડાની હોય છે. જે તે ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટરે આ કામગીરી સારી રીતે પાર પડે તે માટે રાઉન્ડ લેવાના હોય છે, પરંતુ ભાગ્યે જ હેલ્થ વિભાગનો સ્ટાફ પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક બજાવે છે.

સ્થાનિકો પણ કચરાનાં કન્ટેનરનો દુરુપયોગ કરે છે. અનેક નાગરિકો કચરાની થેલીનો છૂટો ઘા કરતા હોય કન્ટેનરની આસપાસ કચરો ફેલાતો હોય છે. દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે તમામ વોર્ડમાં કન્ટેનરનું લિફંટિંગ વ્યવસ્થિત થાય તેની ખાસ તકેદારી રાખવા હેલ્થ ઓફિસરને સૂચના આપી હોવા છતાં તે દિશામાં કોઇ કામગીરી થઇ નથી એટલે હવે ડોર-ટુ-ડોરને વધારે ઘનિષ્ઠ કરીને કન્ટેનર સિસ્ટમને દૂર કરવાનું આયોજન હાથ ધરાયું છે.

છેલ્લે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કન્ટેનર સિસ્ટમની નિષ્ફળતાને લઇ સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે શહેરના ૪૮ વોર્ડ પૈકી પ્રાથમિક તબક્કા હેઠળ રપ વોર્ડમાંથી કન્ટેનર હટાવી લેવાની સંબંધિત અધિકારીઓને તાકીદ કરી છે.

You might also like