સિટી મામલતદાર સહિત નવ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

અમદાવાદ: દારૂબંધીના નવા કાયદાના અમલીકરણ બાદ પણ રાજ્યમાં ઠેરઠેર દારૂ વેચાઇ રહ્યો છે અને લોકો પોલીસના ડર વગર બિન્ધાસ્ત દારૂ પી રહ્યા છે. ગઇ કાલે મોડી રાત્રે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક રો હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા સિટી મામલતદાર સહિત નવ લોકોને નશાની હાલતમાં પોલીસે પકડી પાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સમાજની મિટિંગ હોવાનું બહાનું કાઢીને રો હાઉસમાં દારૂની મહેફિલ માણતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અડાજણ પોલીસે તમામ વગદાર લોકોની ધરપકડ કરીને તેમને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આમ્રપાલી રો હાઉસ નં.૧૩માં દારૂની મહેફિલ ચાલતી હોવાના બાતમી અડાજણ પોલીસને મળી હતી. બાતમીના આધારે મોડી રાત્રે પોલીસે રો હાઉસ પર દરોડા પાડતાં સિટી મામલતદાર વિનોદ મૈસુરિયા સહિત નવ લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ રો હાઉસ વિપુલ.પી.ઉમરીગરનું છે. સુરત મૈસુરિયા સમાજની મિટિંગ હોવાનું કહીને મહેફિલ માણતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સ્થળ પરથી રીતેશ પ્રવીણચંદ્ર ઉમરીગર, મહેશ રતિલાલ મૈસુરિયા, જતીન નરેશ મૈસુરિયા, અનિલભાઇ હસમુખભાઇ મૈસુરિયા, વિપુલ પ્રવીણચંદ્ર ઉમરીગર, સુધીર ગમનભાઇ ટેલર, અમૃતભાઇ બાબુભાઇ, મૈસુરિયા, વિનોદચંદ્ર રતિલાલ મૈસુરિયા, અલ્પેશભાઇ સોમાભાઇ મૈસુરિયાની ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તમામ લોકોએ દારૂ પીધો હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like