શહેરમાં ૧૨ સ્થળે LCD ડિસ્પ્લે તમને હવાનું પ્રદૂષણ બતાવશે

અમદાવાદ: ભારતમાં દર વર્ષે પાંચ લાખ લોકો હવામાંના પ્રદૂષણથી મૃત્યુ પામે છે. અમદાવાદમાં પણ વધતું જતું હવાનું પ્રદૂષણ નાગરિકોમાં ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે શહેરમાં હવાનું પ્રદૂષણ જાણવા જરૂરી એવાં પ્રદૂષણ માપક યંત્ર જ નહોતાં, જોકે હવે મ્યુનિ. સત્તાવાળાઓએ આ દિશામાં કવાયત આરંભી દીધી હોઈ એક મહિનામાં અમદાવાદીઓ હવાના પ્રદૂષણનું પ્રમાણ જાણી શકશે.

હવાના પ્રદૂષણનો આંક શૂન્યથી પાંચસો સુધી હોઈ સો આંકથી નીચો આંક પ્રદૂષણના પ્રમાણને ‘સલામત’ દર્શાવે છે, તેનાથી ઉપરના આંક પ્રદૂષણના પ્રમાણને જોખમી-અતિજોખમી ઓળખાવે છે, જોકે નાગરિકો માટે એક મહિનામાં અમદાવાદ-ગાંધીનગરનાં દસ સ્થળોએ હવાનું પ્રદૂષણ માપતાં યંત્રો મૂકીને તેના દ્વારા મળનારા આંકને તંત્ર બાર સ્થળોએ એલઈડી ડિસ્પ્લે મૂકીને નાગરિકોને પ્રદૂષણની માહિતી પૂરી પાડશે.

મ્યુનિ. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી વધુમાં કહે છે, ‘હાલમાં વિશ્વનાં વીસ સૌથી પ્રદૂષિત શહેરોમાં દેશનું પાટનગર દિલ્હી અગિયારમા સ્થાને છે, પરંતુ અમદાવાદમાં ગુજરાત પોલ્યુશન બોર્ડનું એકમાત્ર હવાનું પ્રદૂષણ માપક યંત્ર હોઈ દેશનાં પ્રદૂષિત શહેરોની યાદીમાં તેનો સમાવેશ થયો નથી, જે માટે ઓછામાં ઓછાં પાંચ યંત્ર જરૂરી છે, જોકે એક મહિનામાં દસ યંત્ર મુકાઈ જશે અને દર આઠ કલાકે હવાના પ્રદૂષણની માહિતી મળવાથી દેશનાં શહેરોમાં અમદાવાદનું પ્રદૂષણનું પ્રમાણ પણ જાણી શકાશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્ષ ૨૦૧૪ના એક રિપોર્ટ મુજબ દેશનું પાંચમું પ્રદૂષિત શહેર અમદાવાદ છે.

કયાં સ્થળોએ પ્રદૂષણ માપક યંત્ર મુકાશે?
સરદાર પટેલ સ્ટેડિયમ-નવરંગપુરા, એએમસી નર્સરી-ગ્યાસપુર-પીરાણા, શ્રમિક કાંતિ ગાર્ડન, ચકુડિયા મહાદેવ-રખિયાલ, તિલકબાગ-રાયખડ, કાલિ કલ્ચરલ સેન્ટર-ચાંદલોડિયા, ઈસરો-બોપલ, ઈસરો-સેટેલાઈટ, હવામાન કચેરી-નરોડા, સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર, આઈઆઈપીએચ-ગાંધીનગર.

કયાં સ્થળોએ LED મુકાશે?
મ્યુનિ. મુખ્ય કચેરી, કાંકરિયા લેક, કાલુપુર રેલવે સ્ટેશન, વસ્ત્રાપુર લેક, આરટીઓ સર્કલ, એરપોર્ટ, વિશાલા ચાર રસ્તા, મેમ્કો ક્રોસ રોડ, વિરાટનગર ક્રોસ રોડ, સ્ટેડિયમ છ રસ્તા, ઈસરો, ગિફ્ટી સિટી.
http://sambhaavnews.com/

You might also like