શહેર કોંગ્રેસનું સુકાન પાટીદાર આગેવાનને સોંપાય તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફતેહ હાંસલ કરવા ગુજરાત કોંગ્રેસને રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદની ઉપેક્ષા કરવી પોષાય તેમ નથી.  અામ તો અમદાવાદ ભાજપનો ગઢ ગણાય છે તેમ છતાં આ ગઢમાં મોટાં ગાબડાં પાડવા શહેર કોંગ્રેસનું સુકાન પાટીદાર આગેવાનને સોંપવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે.

અમદાવાદમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો છે. શહેરની સોળ બેઠક પૈકી ફક્ત દાણીલીમડા અને દરિયાપુરની બેઠક કોંગ્રેસના પંજામાં છે, જોકે હાર્દિક પટેલના આંદોલન બાદ પક્ષમાં નિકોલ, બાપુનગર અને ઠક્કરબાપાનગર એમ ત્રણેય બેઠક જીતવાની આશા જાગી છે. અલબત્ત, પશ્ચિમ અમદાવાદની સાબરમતી, નારણપુરા, એલિસબ્રિજ, ઘાટલોડિયા અને વેજલપુર જેવી બેઠક પર ભાજપને હંફાવવાનું પડકારરૂપ હોઇ પક્ષ નેતૃત્વએ પૂર્વના પટ્ટા પર વધારે ધ્યાન કે‌િન્દ્રત કર્યું છે.

શહેર કોંગ્રેસના નવા પ્રમુખપદની પેનલનાં ત્રણ નામ પૈકી બે તો પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જોકે લાંબા સમયથી નવા પ્રમુખની પસંદગીનો મામલો ટલ્લે ચઢતો રહ્યો છે, પરંતુ હાર્દિક પટેલના ગુજરાત આગમન બાદ હવે ટૂંક સમયમાં નવા પ્રમુખની વરણી થશે, તેમાં પણ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનના માથે શહેર પ્રમુખનો તાજ પહેરાવાશે.

કોંગ્રેસનાં ટોચનાં સૂત્રો કહે છે કે પક્ષ નેતૃત્વ શહેર પ્રમુખ તરીકે પાટીદાર આગેવાનની પસંદગી કરશે તેમાં તો હવે કોઇ બેમત નથી, કેમ કે હાર્દિક પટેલનું ફેક્ટર પક્ષ માટે પાટીદારોના મત ખેંચી લાવી શકે તેમ છે.  તે સંજોગોમાં શહેર પ્રમુખ કોઇ પાટીદાર હોય તો પક્ષને પૂર્વ વિસ્તારની ભાજપની કેટલીક બેઠક આંચકી લેવામાં વધુ સરળતા રહેશે. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદમાં પણ કોંગ્રેસ ભાજપને રાણીપ, ઘાટલો‌ડિયામાં અમુક અંશે પડકાર ફેંકશે.
http://sambhaavnews.com/

You might also like