શનિ-રવિ અને સોમ રજા છતાં સિવિક સેન્ટરો ખુલ્લાં રહેશે

અમદાવાદ: સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું અમદાવાદીઓ ટાળે છે. લાઈટ બિલ ભરવામાં વિલંબ થાય તો વીજ કનેકશન કપાઈ જવાની બીક લાગે છે કોર્પોરેશન હજારો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સના બાકીદારોના ઘર કે ઓફિસના પણ પાણી-ગટરના કનેકશન કાપતું ન હોઈ પ્રોપર્ટી ટેક્સના કરચોરોનું પ્રમાણ વધુ છે. પરંતુ રૂ.૫૦૦થી રૂ.૧૦૦૦ની નોટોથી છૂટકારો મેળવવા ગઈ કાલે મોટી સંખ્યામાં પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ જે તે સિવિલ સેન્ટરમાં ઊમટી પડ્યા હતા. જોકે વિવિધ મ્યુનિ. ટેક્સના કરદાતાઓ માટે આનંદના સમાચાર એ છે કે આજથી સોમવાર સાંજ સુધી એટલે કે સતત ત્રણ દિવસના રજાના દિવસોમાં પણ સિવિક સેન્ટરો ખુલ્લાં રહેવાનાં હોઈ તેમાં રૂ.૫૦૦-૧૦૦૦ની રદ કરાયેલી નોટોને તંત્ર સ્વીકારશે.

પ્રોપર્ટી ટેક્સની આવક પેટે ગયા ઓક્ટોબર મહિનામાં મ્યુનિ. તિજોરીમાં ફક્ત રૂ.૫૯ કરોડ ઠલવાયા હતા. જ્યારે ચાલુ નવેમ્બર મહિનાના પહેલ દસ દિવસમાં પણ તંત્રને રૂ.૯.૬૨ કરોડની આવક થઈ હતી. પરંતુ જૂની રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ સિવિક સેન્ટરોમાં લેવાશે તેવી કોર્પોરેશનની જાહેરાતના પગલે કરદાતાઓએ તમામ સિવિક સેન્ટરોમાં રાતના દસ વાગ્યા સુધી ધસારો કર્યો હતો.

You might also like