Smart Parking: નાગરિકોને મોબાઇલ એપથી પાર્કિંગની જાણકારી અપાશે

અમદાવાદ: મેગાસિટી અમદાવાદ વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ શહેરને સ્માર્ટસિટી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. શહેરીજનોને સૌથી વધારે કનડતી સમસ્યા ટ્રાફિકની છે. દરરોજ ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે.

અણધડ પાર્કિંગ વ્યવસ્થાના કારણે અનેકવાર જે તે કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ કે પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવા જગ્યા હોવા છતાં રોડ પર વાહન પાર્ક કરી દેવાય છે. જેના કારણે તંત્ર દ્વારા નાગરિકોને વધુ સુચારૂ ઢબની પાર્કિંગ વ્યવસ્થા પૂરી પાડવા માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે અંતગર્ત તંત્ર દ્વારા મોબાઇલ એપથી નાગરિકોને આંગળીના ટેરવે પાર્કિંગ વ્યવસ્થાની જાણકારી પૂરી પડાશે.

શહેરમાં હાલમાં ૭.પ૦ લાખ ફોર વ્હીલર, ર૮ લાખ ટુ વ્હીલર, ૧.રપ લાખ ઓટોરિક્ષા, ૩૮૦૦ લકઝરી બસ, ૩૦૦૦ માલવાહક ટ્રક આરટીઓમાં રજિસ્ટર્ડ થયાં છે. દૈનિક નવાં ૮૦૦ વાહનનું અમદાવાદમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યું હોઇ આગામી પાંચ વર્ષમાં નવાં ૧ર૭૭ લાખથી વધુ વાહન ઉમેરાશે. બીજી તરફ પિકઅવર્સ દરમ્યાન ઠેરઠેર ટ્રાફિક જામથી વાહનચાલકો તોબા પોકારી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાઇ રહ્યા છે. એક તરફ તંત્ર દ્વારા નવા બ્રિજ પ્રોજેકટ અમલમાં મુકાઇ રહ્યા છે. ફાટકમુક્ત અમદાવાદની ઝુંબેશ હેઠળ અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર ૧૬ અંડર પાસ બનાવવાનું આયોજન આગળ ધપાવાઇ રહ્યું છે. આની સાથે સાથે નવાં પે એન્ડ પાર્કની સુવિધા પણ ઊભી કરાઇ રહી છે.

તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટના એક ભાગરૂપે ખાસ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે મુજબ આગામી દિવસોમાં સત્તાવાળાઓ નાગરિકોને પાર્કિંગ વ્યવસ્થાની જાણકારી તેમના મોબાઇલ પર આંગળીના ટેરવે પૂરી પાડવા મોબાઇલ એપની સુવિધા આપવાના છે. આ માટે ઝોનદીઠ રપ કોમર્શિયલ બિલ્ડિંગ મુજબ શહેરભરની કુલ ૧પ૦ કોમર્શિયલ બિલ્ડિંગની એન્ટ્રી અને એકિઝટ ગેટ પર સેન્સર મૂકવાની હિલચાલ આરંભાઇ છે.

આમ તો શહેરમાં સંખ્યાબંધ કોમર્શિયલ બિલ્ડિંગ છે, પરંતુ તંત્રે જે બિલ્ડિંગમાં વાહનની એન્ટ્રી અને એકિઝટના સ્વતંત્ર ગેટ હોય તેવી બિલ્ડિંગને શોધવા માટેનો સર્વે હાથ ધર્યો છે. સર્વેના આધારે શોધી કઢાયેલી ૧પ૦ કોમર્શિયલ બિલ્ડિંગમાં સેન્સર મુકાયા બાદ આ બિલ્ડિંગમાં પાર્કિંગની વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી ઉપલબ્ધ થશે.

જે તે વાહન એન્ટ્રી ગેટ પરથી પસાર થશે તે અગાઉ ગેટ પાસે આરસીસી વર્ક ધરાવતી લંબચોરસ જગ્યાની નીચે મુકાયેલાં સેન્સરથી વાહન પાર્કિંગ સમયની આપોઆપ નોંધણી થઇ જશે. આવી જ રીતે એકિઝટ ગેટથી બહાર મુકાયેલાં સેન્સરથી વાહનના નીકળવાનો સમય પણ આપોઆપ નોંધાશે.

આ અંગે આધારભૂત વર્તુળો વધુ માહિતી આપતાં જણાવે છે શહેરના સેન્ટ્રલ મોલ, ઇસ્કોન મોલ, આલ્ફાવન મોલ, હિમાલયા મોલ અને એક્રોપોલિસ મોલ એમ કુલ પાંચ મોલના એન્ટ્રી અને એકિઝટ ગેટ પર મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સેન્સર મૂકી દેવાયાં છે. આના કારણે જે તે મોલના સંચાલકને પોતાના પાર્કિંગ વ્યવસ્થાની વિસ્તૃત વિગત મળતી રહેતી હોઇ કમ સે કમ આ મોલના ગ્રાહકોને વાહન પાર્ક કરવાની કડાકૂટમાંથી રાહત મળી રહી છે.

આ પાંચ ખાનગી મોલ ઉપરાંત તંત્રની માલિકીના રિલીફરોડ પરના પે એન્ડ પાર્ક, કાંકરિયા પે એન્ડ પાર્ક અને નવરંગપુરા પે એન્ડ પાર્ક એમ કુલ ત્રણ પે એન્ડ પાર્કમાં સેન્સર મુકાઇ ગયાં છે.

દરમ્યાન ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ કહે છે કે અત્યારે કુલ આઠ સ્થળે રૂ‌.૧૩ લાખના ખર્ચે સેન્સર ગોઠવાયાં છે, જેનું મો‌િનટરીંગ પાલડીના નવા કન્ટ્રોલરૂમ ખાતે થઇ રહ્યું છે. ત્યારબાદ સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ હેઠળ નાગરિકોને મોબાઇલ એપમાં પાર્કિંગને લગતી સઘળી જાણકારી પૂરી પડાશે.

You might also like