જન્મ-મરણના સુધારા માટે નાગરિકો અર્બન હેલ્થ સેન્ટરના ધક્કા ખાવા મજબૂર

અમદાવાદ: મ્યુનિસિપલ જન્મ-મરણ વિભાગની રેઢિયાળ કામગીરી સામે અવારનવાર ફરિયાદ ઊઠતી રહી છે. દરરોજના જન્મ-મરણને લગતા સુધારા-વધારા કે નો રેકોર્ડ સહિતની કામગીરી માટે સેંકડો અરજદારોને આરોગ્ય ભવન ખાતે આવેલી જન્મ-મરણ વિભાગની મુખ્ય કચેરી કે ખમાસા-દાણાપીઠ ખાતે આવેલી સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસની રઝળપાટ કરવી પડે છે તેમાંય તંત્રની લાપરવાહીના કારણે અરજદારોને વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરના પણ ધક્કા ખાવા પડે છે.

પહેલાં મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરની જવાબદારી સંભાળતા ડો.દિવ્યાંગ ઓઝાને જન્મ-મરણ વિભાગના પુરોગામી ર‌િજસ્ટ્રાર ડો.અમિત બેગડાની જગ્યાએ મુકાયા છે, પરંતુ તેમની સામે ફરજ પ્રત્યે બેદરકારી દાખવવાની અનેક ફરિયાદો ઊઠી છે.

આની સાથે-સાથે જે તે વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત જન્મ-મરણ વિભાગની ઓફિસમાં નિયમ અનુસાર એક વર્ષ સુધીના જન્મ-મરણને લગતા ચોપડા રાખી શકાય છે. ત્યારબાદ આ ચોપડાનો હવાલો ખમાસા-દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપલ મુખ્યાલયની જૂની બિલ્ડિગના સેન્ટ્રલ રેકોર્ડ વિભાગને સોંપવાનો હોય છે.

પરંતુ સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસમાં ફક્ત વર્ષ ર૦૦૯ સુધીના જન્મ-મરણના ચોપડા જમા થયા છે. વર્ષ ર૦૧૦થી જન્મ-મરણના ચોપડા રેકોર્ડ ઓફિસમાં જમા ન થયા હોઇ અરજદારોનાં કામ રઝળી પડે છે. જન્મ-મરણને લગતો રેકોર્ડ મળતો નથી તેવા આશયનું ‘નો રેકોર્ડ’ સર્ટિફિકેટ મેળવવા ખરેખર તો રેકોર્ડ વિભાગના કર્મચારીએ જે તે અર્બન હેલ્થ સેન્ટર પર જવું જોઇએ તેના બદલે અરજદારને ધક્કા ખાવા પડે છે.

અઠવાડિયામાં ત્રણ દિવસ અર્બન હેલ્થ સેન્ટરમાં કર્મચારી જન્મ-મરણને લગતી ફરજ બજાવે છે, પરંતુ આ કર્મચારી પણ કામકાજના દિવસે બીજી કામગીરીની વ્યસ્તતાના કારણે અર્બન હેલ્થ સેન્ટરમાં ગેરહાજર હોય છે.

You might also like