શહેરના નાગરિકોને રૂ.૫૦માં જનમિત્ર સ્માર્ટકાર્ડ અપાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મ્યુનિ. સેવાઓ ઉપરાંત અન્ય સેવાઓ અંગેનાં નાણાંની ચૂકવણી સરળતાથી થઇ શકે તે હેતુથી શહેરનું એક અલાયદું સ્માર્ટકાર્ડ ‘જનમિત્ર’ ઉપલબ્ધ કરાયું છે. અાઈસીઅાઈસીઅાઈ બેન્કને સ્માર્ટકાર્ડ બેઇઝડ કોમન સિટી પેમેન્ટ સિસ્ટમ (સીસીપીએલ)નો પ્રોજેકટ સોંપાયો હોઇ આ બેન્કએ એક હજાર ‘જનમિત્ર’ કાર્ડ સાથે પાઇલટ પ્રોજેકટ પ્રારંભ કર્યો છે.

ઇ-ગર્વનન્સનો હવાલો સંભાળતાં આસી.કમિશનર રમ્ય ભટ્ટ કહે છે, સીસીપીએસ પ્રોજેકટ હેઠળ આ ખાનગી બેન્ક દ્વારા બજારમાં મુકાયેલા ‘જનમિત્ર’ સ્માર્ટકાર્ડના ઉપયોગથી સ્માર્ટકાર્ડ ધારક નાગરિક કાંકરિયા લેકફ્રન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટની વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓની ફી, મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ બિલ સહિત કોર્પોરેશન વિવિધ ફી પાર્કિંગ ફી, વીજળી બિલ, ફોન બિલ, હોટલ, રેસ્ટોરાં બિલ, મોલનાં બિલની ચૂકવણી કરી શકશે.

‘જનમિત્ર’ સ્માર્ટકાર્ડનાં વિતરણ માટે ખાનગી બેન્કે વિવિધ કરિયાણાની દુકાન, દવાની દુકાન સહિત કુલ ૧૭૦ વિતરણ કેન્દ્ર શરૂ કર્યાં છે. એક ‘જનમિત્ર’ સ્માર્ટકાર્ડની કિંમત રૂ.પ૦ની છે અને તેમાં સ્માર્ટકાર્ડ ધારક એક રૂપિયાનું પણ ‌રિચાર્જ કરાવી શકે છે. તેમ પણ ઇ-ગર્વનન્સનો હવાલો સંભાળતાં આસી.કમિશનર રમ્ય ભટ્ટ વધુમાં કહે છે.

જો કે બીઆરટીએસ તેમજ એએમટીએસના ઉતારુઓ માટે હાલમાં ‘જનમિત્ર’ સ્માર્ટકાર્ડ ઉપયોગી બનવાનું નથી. કોર્પોરેશનના આઇટીએમએસ પ્રોજેકટની ડિસેમ્બર ર૦૧૬માં અમલવારી થયા બાદ ‘જનમિત્ર’ સ્માર્ટકાર્ડનો બીઆરટીએસ-એએમટીએસના ઉતારુઓ લાભ લઇ શકશે તેમ જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડિસેમ્બર ર૦૧૬થી ‘જનમિત્ર’ સ્માર્ટકાર્ડ ધારક નાગરિકોને ‘ઓનલાઇન’ રિચાર્જની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.

You might also like