નાગરિકોનું આરોગ્ય ‘ભગવાન ભરોસે’

અમદાવાદ: આપણા શહેરના નાગરિકોની આરોગ્ય સુખાકારી સાથે મ્યુનિ. તંત્ર સીધી રીતે સંકળાયેલું છે. પ્રજાના દર વર્ષે કરોડો રૂપિયા આરોગ્ય વિભાગ પાછળ ખર્ચાય છે. જોકે આરોગ્ય વિભાગની કામગીરી લેશમાત્ર સંતોષકારક નથી. તેમાં પણ ખાદ્યપદોર્થોની ગુણવત્તાના મામલે તંત્રની બેદરકારીથી નાગરિકો ભગવાન ભરોસે જ છે.

શહેરમાં રપ ફૂડ ઇન્સ્પેકટરની શેડ્યુલ જરૂર સામે કુલ ૧૬ જ ફૂડ ઇન્સ્પેકટર ફરજ બજાવે છે. એટલે કે ફરસાણ-મીઠાઇની દુકાનો, આઇસક્રીમ, ડેરી પાર્લર વગેરે ખાદ્ય પદાર્થોના સંતોષકારક નમૂના લેવાતા નથી. ગત ૧, જાન્યુ.થી ૩૧, ડિસે. ર૦૧પ સુધીની આરોગ્ય વિભાગની શહેરમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી જોઇએ તો તંત્ર દ્વારા મેગાસિટી અમદાવાદમાં ફક્ત ર૦ર૬ નમૂના લેવાયા હતા.

સમગ્ર વર્ષ દરમિયાન લેવાયેલા કુલ ર૦ર૬ નમૂનાઓને નવરંગપુરા ‌િસ્થત મ્યુનિ. લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવતાં તેમાંથી ફક્ત ૮.૯૩ ટકા નમૂના જ અપ્રમાણિત જાહેર થયા હતા. જે ૧૮૧ નમૂના અપ્રમાણિત જાહેર થયા તેમાંના બધા નમૂનાનામાં ભેળસેળ પકડાઇ ન હતી. પરંતુ ઘણા નમૂના તો ‘મિસ બ્રાન્ડિંગ’ને લગતા હતા !

ફૂડ ઇન્સ્પેકટરોની નમૂના લેવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતા તંત્રએ ચાર ફૂડ ઇન્સ્પેકટરને અન્યત્ર વિભાગમાં બદલી કર્યા પણ છ સાત મહિના થઇ ગયા છે તેમ છતાં હજુ આ જગ્યા ભરાઇ નથી. ગત માર્ચ મહિનામાં તો આરોગ્ય અધિકારીના ચાર્જ બાબતે ગૂંચવાડો સર્જાતા સમગ્ર મહિનામાં ફકત સાત જ નમૂના લેવાયા હતા !

આમાં આઘાતજનક બાબત તો એ છે કે, અમદાવાદીઓને ભેળસેળખોરોનાં નામ, સરનામાં, ભેળસેળનો પ્રકાર વગેરે ‘ઓનલાઇન માહિતી’ આપવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. આરોગ્ય વિભાગના પૂર્વ વડા ડૉ. એસ.પી. કુલકર્ણીની સેવા નિવૃત્તિ બાદ આ માહિતી અપડેટ જ કરાઇ નથી !

ફૂડ ઇન્સ્પેકટરની ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી ચાલુ છે
આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સી.આર. ખરસાણ કહે છે કે, હાલમાં ફૂડ ઇન્સ્પેકટરની રપ મંજૂર જગ્યા પૈકી ૧૬ જગ્યા ભરાયેલી છે. ફૂડ ઇન્સ્પેકટરની ખાલી જગ્યા ભરવાની કાર્યવાહી સેન્ટ્રલ ઓફિસ દ્વારા ચાલુ કરાઇ હોઇ ટૂંક સમયમાં ખાલી જગ્યા ભરાઇ જશે.

વર્ષ ર૦૧પમાં દરરોજ સરેરાશ છ નમૂના પણ લેવાયા નથી
ગત વર્ષ ર૦૧પમાં મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા ઘી, તેલ, દૂધ, મરચું સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થોના જે કુલ ર૦ર૬ નમૂના લેવાયા હતા તેની દરરોજની છ નમૂનાની સરેરાશ થતી નથી. આટલી હદે કોર્પોરેશનની ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કંગાળ કામગીરી છે.

ર૦૧પમાં તંત્રની કામગીરીની વિગત
મહિનો               કુલ નમૂના      અપ્રમાણિત નમૂના
જાન્યુઆરી         ૧૩૬                 ૬
ફેબ્રુઆરી             ૧ર૮                ૬
માર્ચ                       ૭                ૪
એપ્રિલ                ૧૬પ               ૧૪
મે                         ૧૯૦               રર
જૂન                      ૧૦૯               ૧૧
જુલાઇ                  ર૬૯               ૧૮
ઓગસ્ટ                 ૧૯ર               ૧પ
સપ્ટેમ્બર              ર૪૧              રર
ઓકટોબર             ર૩૦              ર૯
નવેમ્બર               ૧૮૮              ૧૪
ડિસેમ્બર               ૧૭૧              ર૦
કુલ                      ર૦ર૬           ૧૮૧

You might also like