વોટ્સએપ પર ઈશ નિંદાઃ પાક.ની કોર્ટે એક ખ્રિસ્તીને મૃત્યુદંડની સજા ફટકારી

લાહોર: પાકિસ્તાનમાં પોતાના મિત્રને વોટ્સએપ પર ઈસ્લામ માટે અપમાનજનક સંદેશો મોકલવા બદલ એક ખ્રિસ્તીને દેહાંતદંડની સજા ફટકારવામાં આવી છે. નદિમ જેમ્સ મસિહ પર જુલાઈમાં ઈશ નિંદા કરતો સંદેશો મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના પહેલા તેના મિત્રએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મસિહે વોટ્સએપ પર એક કવિતા મોકલી હતી. જેમાં ઈસ્લામનું અપમાન કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ મસિહ પંજાબ પ્રાંતના સારા એ આલમગીર ટાઉનમાં લોકોના રોષ અને આક્રોશથી બચવા માટે પોતાના ઘરેથી નાસી ગયો હતો, પાછળથી તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસની સુનાવણી સુરક્ષાના કારણસર જેલમાં એક વર્ષ કરતાં વધુ સમય ચાલી હતી. આ જેલ લાહોરથી ૨૦૦ કિ.મી. દૂર છે. અદાલતના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટે મસિહને રૂપિયા ત્રણ લાખનો દંડ પણ ફટકાર્યો છે.

મસિહના વકીલ અંજુમે જણાવ્યું હતું કે તેમનો અસીલ નિર્દોષ છે. તેમણે જણાવ્યું હતું કે મારો અસીલ લાહોર હાઈકોર્ટમાં અપીલ કરશે, કારણ કે એક મુસ્લિમ યુવતી સાથેના પ્રેમ સંબંધોને કારણે તેને ફસાવવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ ઈશ નિંદાના ખોટા આરોપ મૂકવામાં આવ્યા છે. વકીલે જણાવ્યું હતું કે સુરક્ષાનાં કારણસર તેમના અસીલ મસિહ વિરુદ્ધ જેલમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

You might also like