ક્રિસ ગેલે બધાં રહસ્યો ખોલવા માટે કેટલા ડોલરની કરી માગણી?

સિડનીઃ વેસ્ટ ઇન્ડીઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન મીડિયા જૂથ સામે અદાલતી કેસ જીતી ગયો છે. ક્રિસ ગેલ આ જીતની રોકડી કરી લેવા માગે છે. આ સમગ્ર વિવાદિત મામલા માટે ગેલે કહ્યું કે હું આ બધાં રહસ્યો ખોલવા તૈયાર છું, પરંતુ આના માટે મારે ત્રણ લાખ ડોલર જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલ પર સિડની મોર્નિંગ હેરલ્ડ અને ધ એજના પ્રકાશક ફેરફેક્સ મીડિયાએ ગત વર્ષો પોતાના ઘણા અહેવાલોમાં આરોપ લગાવ્યો હતો કે ગેલ એક મહિલા મસાજર સામે નગ્ન થઈ ગયો હતો, પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટે ગત મહિને માનહાનિના કેસનો ચુકાદો ગેલની તરફેણમાં આપ્યો હતો.

હવે ક્રિસ ગેલ પોતાની આ સ્ટોરી વેચવાની દરખાસ્ત કરી ચૂક્યો છે અને તેના માટે શરૂઆતની કિંમત ત્રણ લાખ અમેરિકન ડોલર રાખી એટલે કે રૂ. ૧,૯૫,૪૬,૫૦૦ રૂપિયા રાખી છે. ગેલે ટ્વિટ પર લખ્યું છે, ”મારી પાસે વર્ણન કરવા માટે એક બહુ જ દિલચસ્પ કહાણી છે. આ ૬૦ મિનિટનો ખાસ ઇન્ટરવ્યૂ હોઈ શકે છે અથવા તો તમારે મારા આગામી પુસ્તક સુધી રાહ જોવી પડશે. આ કહાણી અદાલતમાં શું થયું એની સાથે જોડાયેલી છે અને ઓસ્ટ્રેલિયામાં પડદા પાછળ શું શું કરવામાં આવ્યું અને મને પ્રતિબંધિત કરાવવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવામાં આવ્યા.”

ક્રિસ ગેલે વધુમાં કહ્યું, ”હું તમને જણાવીશ કે કોર્ટ બાદ દરેક દિવસે હું શું કરતો હતો… મારા પર વિશ્વાસ કરો, જ્યારે હું આ અંગેનો ખુલાસો કરીશ ત્યારે એ કોઈ ફિલ્મ જેવું હશે. હું કંઈ જ છુપાવીશ નહીં. ઇન્ટરવ્યૂની હરાજી ત્રણ લાખ ડોલરની બોલીથી શરૂ થશે. મારી પાસે કહેવા જેવું ઘણું બધું છે.”

You might also like