કોકો સહિત કાચા માલના ભાવમાં વધારો થતાં ચોકલેટ મોંઘી થશે

મુંબઇ: ચોકલેટ બનાવવા માટે કોકો સહિતના કાચા માલના ભાવમાં વધારો નોંધાતો જોવા મળ્યો છે, જેના પગલે દેશમાં ચોકલેટના ભાવ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કોકોના ભાવમાં ૨૮ ટકાનો વધારો થઇ ચૂક્યો છે.

કોકોનું ઉત્પાદન કરતા દુનિયાના અગ્રણી દેશ પશ્ચિમ આફ્રિકામાં કોકોના ઉત્પાદનને લઇને મુશ્કેલભરી સ્થિતિ સર્જાઇ છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારના પુરવઠામાં તેની સીધી અસર જોવા મળી છે.

કોકો ઓર્ગેનાઇઝેશનના પ્રાપ્ત ડેટા મુજબ ગયા એપ્રિલમાં કોકોના ભાવ પ્રતિ ટન ૧,૯૬૧ ડોલરની સપાટીએ જોવા મળ્યા હતા, જે વધીને ૨,૫૧૬ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે. દેશમાં પણ છેલ્લાં કેટલાંક સપ્તાહમાં કોકોના ભાવમાં વૃદ્ધિ નોંધાઇ છે અને તેના કારણે આગામી દિવસોમાં ચોકલેટના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૨૦૧૭-૧૮માં કોકોનું ઉત્પાદન ૧૮,૯૨૦ ટન થયું હતું, જે અગાઉના વર્ષ કરતાં પાંચ ટકા વધારે છે.

You might also like