ક્લોરિન ગેસ લિકેજ થતાં ભારે દોડધામઃ ૩૫ને ગંભીર અસરઃ ત્રણની હાલત નાજુક

અમદાવાદ: વડોદરાના પોર નજીક અાવેલ એક વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ગઈ મોડી રાતે ગેસ લીકેજ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી અને અનેક લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. ગેસ લીકેજ થવાની ઘટનામાં ૩૫ વ્યક્તિને ગંભીર અસર પહોંચી હતી જેમાંથી ત્રણની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક પોર ખાતે નવી નગરીમાં ગ્રામપંચાયતનો વોટર પ્લાન્ટ અાવેલો છે. અા પ્લાન્ટમાં ગઈ રાતે ક્લોરિંગ ગેસ ભરેલી બોટલો લીકેજ થતા લોકોને અાંખ, નાક, ગળામાં અને છાતીમાં બળતરા થતાં ભયનો માહોલ ઊભો થયો હતો. નવી નગરી અને બોમ્બે હાઉસિંગમાં રહેતા અનેક લોકો ગેસનો ભોગ બન્યા હતા. જેના કારણે ભાગમભાગ પણ થઈ હતી. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ-પોલીસ અને જીએસીએલના જવાનોનો કાફલો તાત્કાલીક બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને સાવચેતીપૂર્વક ગેસની બોટલો નદીમાં લઈ જઈ તેનો નિકાલ કરી નાખ્યો હતો અને તમામ ૩૫ જેટલા અસરગ્રસ્તોને વડોદરાના સયાજીરાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા જેમાંથી ત્રણની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like