ચિત્તોડગઢ, રાજસ્થાનમાં આવેલું છે સાંવરિયા શેઠનું મંદિર…

ચિત્તોડગઢ, રાજસ્થાનમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જે મીરાંબાઇ સાથે પણ સંકળાયેલું છે. અહીં મીરાંના ગિરિધર ગોપાલને બિઝનેસ પાર્ટનર હોવાથી શ્રદ્ધાળુઓ શેઠજી તરીકે પણ બોલાવે છે અને તેમને ‘સાંવરિયા શેઠ’ પણ કહેવામાં આવે છે.

પૌરાણિક કથા મુજબ, સાંવરિયા શેઠ જ મીરાંબાઇનાં ગિરિધર ગોપાલ છે, જેમની તેઓ રાત દિવસ ભક્તિ કરતાં હતાં. ભગવાન કૃષ્ણના અન્ય એક ભક્ત સંત દયારામ હતા. મીરાંબાઇ જેવી તેમની પાસે પણ કૃષ્ણ મૂર્તિ હતી. એક કથા મુજબ જ્યારે ઔરંગઝેબની સેના મંદિરો તોડી રહી હતી, ત્યારે સંત રામે પોતાની મૂર્તિઓને બચાવવા વડનાં વૃક્ષ નીચે ખાડો ખોદી તેમાં છુપાવી હતી. કેટલાક સમય પછી, સંત દયારામજીનું અવસાન થયું.

પછી સં.૧૮૪૦માં, રાજસ્થાનના મંડફિયા ગામના રહેવાસી ભોલારામને એક સ્વપ્ન આવ્યું કે, અહીં મૂર્તિઓ દાટવામાં આવી છે. પછી આ જ જગ્યાએ ખોદતાં ચાર મૂર્તિઓ મળી આવી. આ પછી તમામ આસપાસના ગામોની સંમતિ સાથે આ ચાર મૂર્તિઓમાંની સૌથી મોટી પ્રતિમા ગામ ભાદસોડા લઈ જઈ અહીંના મંદિરમાં સ્થાપવામાં આવી, જેને સાંવરિયા મંદિર કહે છે.

એક કથા મુજબ મંદિરમાં મુખ્ય મૂર્તિની પૂજા પ્રખ્યાત ભક્ત નરસિંહ મહેતા કરતા હતા. તેમની પુત્રીનાં લગ્નમાં શ્રીકૃષ્ણને હૂંડી લખી હતી અને ભગવાન સ્વયં સાંવરિયા શેઠ તરીકે ત્યાં પહોંચ્યા હતા અને લગ્ન કરાવ્યાં હતાં. તેથી અહીં ભગવાન સાંવરિયા શેઠ તરીકે ઓળખાયા.

બીજી વાત એ છે કે વેપારીઓ તેમના વ્યવસાયમાં નફા માટે અહીં ભગવાનને ભાગીદાર બનાવે છે અને તેઓ તેમની હૂંડી, ચેક, રોકડ અને એકાઉન્ટ્સનો એક ભાગ પણ બનાવે છે. વ્યવસાયમાં ભાગીદાર હોવાથી અહીં ભગવાન શ્રીકૃષ્ણ શેઠ કહેવાય છે.

આ મંદિર ચિત્તોડગઢ રેલવે સ્ટેશનથી ૩૫ કિ.મી. અને ડબોક હવાઇમથકથી ૫૯ કિમી દૂર આવેલું છે. ૧૯૭૮માં મોટી ભીડની હાજરીમાં મંદિર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ૧૯૬૧થી મંદિરના બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણનું કાર્ય શરૂ થયું છે, તે આજે પણ ચાલુ છે.

આ સ્થળ હવે ખૂબ આતિથ્યશીલ અને વિશાળ મંદિર બની ગયું છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં સોનાનાે ઢોળ ચડાવેલો કળશ મૂકીને ધ્વજારોહણ કરાયું હતું. ૧૯૬૧થી આ પ્રખ્યાત સ્થળે દેહઝૂલણી એકાદશી વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાદ્રપાદ શુક્લ પક્ષની દશમી, એકાદશી અને બારશે દરેક વર્ષે ભવ્ય ત્રણ દિવસનું મેળાનું આયોજન કરવામાં આવે છે.

પ્રતિ માસની કૃષ્ણ પક્ષની ચૌદશે સાંવરિયાજીનો ભંડારો ખોલાય છે અને બીજા દિવસે અમાસે પ્રસાદનું વિતરણ કરાય છે. સાંજે વિશાળ બ્રહ્મભોજનનું આયોજન થાય છે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ અથવા વ્યવસાયમાં કોઈ સમસ્યા છે, તો પછી ભગવાન અહીં તમારા ધંધાનાં ભાગીદાર બની શકે છે.•

You might also like