અભિનેત્રી ચિત્રાંગદા સિંહની સેકન્ડ ઈનિંગ્સ સફળ બનશે?

૨૦૦૩માં સુધીર મિશ્રાની ફિલ્મ ‘હજારો ખ્વાહિશે ઐસી થી’ ડેબ્યૂ કરનારી ચિત્રાંગદા સિંહને તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આગામી સ્મિતા પાટીલ કહેવામાં આવી હતી, પરંતુ આ અભિનેત્રીની કરિયરનો ગ્રાફ એક અલગ મૂડ લઇને ધીમો પડી ગયો. આ ફિલ્મનાં બે વર્ષ બાદ પણ તેણે કોઇ ફિલ્મ ન કરી, પછી તે સુધીર મિશ્રાની એક અન્ય ફિલ્મ ‘કલઃ યસ્ટરડે અેન્ડ ટુમોરો’માં જોવા મળી.

આ ફિલ્મ ચિત્રાંગદાની ડેબ્યૂ ફિલ્મની સફળતાને દોહરાવવામાં નિષ્ફળ રહી અને તે દિલ્હી પરત ફરી. ૨૦૦૮માં તે ‘સોરી ભાઇ’ ફિલ્મમાં જોવા મળી. ૨૦૧૧માં ચિત્રાંગદાએ ‘દેશી બોયસ’ ફિલ્મના માધ્યમથી કલાકારોની બિગ લીગમાં પગ મૂક્યો. તેમાં તેની સાથે જોન અબ્રાહમ અને અક્ષયકુમાર હતા. છેલ્લે તે ૨૦૧૫માં ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મમાં એક આઇટમ સોંગમાં જોવા મળી હતી. હવે તે ફિલ્મોમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહી છે.

ટાઇગર શ્રોફની ફિલ્મ ‘મુન્ના માઇકલ’માં એક નાનકડી ભૂમિકા ભજવ્યા બાદ ચિત્રાંગદા નિખિલ અડવાણીની ફિલ્મ ‘બાઝાર’માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત તેની સાથે તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ની ત્રીજી ફ્રેન્ચાઇઝી પણ છે, જેમાં તેની સાથે સંજય દત્ત હશે. ચિત્રાંગદા હવે નિર્માતા પણ બનવા જઇ રહી છે.

તેનો પહેલો પ્રોજેક્ટ સાદ અલીની સંદીપ સિંહની બાયોપિક હશે, જેમાં દિલજિત દોસાંજ મુખ્ય ભૂમિકા ભજવશે. અનીશ બઝમી સાથે પણ તે એક ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહી છે. ‘બાઝાર’ ફિલ્મમાં ચિત્રાંગદા સૈફ અલી સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રાધિકા આપ્ટે પણ છે. રાધિકા આપ્ટે અને વિનોદ મહેરાનો પુત્ર રોહન મહેરા પણ છે. •

You might also like