જીવની ભવ ભવાંતરમાં સ્થિતિ

આપણે જાણ્યું કે આપણે જે છીએ, જે ભોગવીએ છીએ તે ગત જન્મોનાં અને આ જન્મનાં કર્મને કારણે બાકી કોઇ અન્ય આપણને સુખી કે દુઃખી કરી શકતું નથી. આટલું જાણ્યા પછી સ્વાભાવિક છે કે આપણાં મનમાં પ્રશ્ન થાય કે આપણે કરેલાં કર્મ એક ભવમાંથી બીજા ભવમાં કેવી રીતે સાથે આવતાં હશે? વળી કોઇના મનમાં એ પ્રશ્ન પણ ઊઠે કે જે કર્મ કરનાર હોય તે મરી જાય પછી કરેલાં કર્મ ભોગવવાનાં તેને ક્યાં રહ્યાં?
વિચારશીલ વ્યક્તિને સ્વાભાવિક છે કે આવો વિચાર આવ્યા વિના ન રહે, કારણ કે આપણે જે કર્મ કરીએ છીએ તે આ શરીર દ્વારા કરીએ છીએ અને એ શરીરને તો મરણ પછી બાળી નાખવામાં આવે છે કે અન્ય રીતે તેનો નાશ કરવામાં આવે છે.
ભલે આપણને દેખાય કે શરીર કર્મ કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે શરીર તો જડ છે. તેનામાં કર્મ કરવાની કોઇ તાકાત જ નથી, પણ તેની અંદર વ્યાપીને રહેલ ચેતન તત્ત્વ તેને કર્મ કરવા ઉત્તેજિત કરે છે. જો શરીર જ કર્મ કરતું હોત તો જીવ ગયા પછી પણ તે કંઇ કરતું રહેત, પણ આમ બનતું નથી. જેવો જીવ જાય છે કે શરીર લાકડાં જેવું નિશ્ચેતન બની જાય છે. પછી તેનો નાશ કરવાનું અનિવાર્ય બની જાય છે. વાસ્તવિકતામાં જીવથી અલગ શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. આ શરીરને માતાના ઉદરમાં ઘડનાર બનાવનાર ચેતનતત્ત્વ આત્મા જ હતો. તેનો વિકાસ પણ તેને કારણે જ થયો હતો અને તે તેનાથી અળગો થઇ જતાં શરીર મરણ પામ્યું.
જો આ શરીર જ સર્વ કંઇ હોત તો તેના નિષ્પ્રાણ થવાની સાથે વાત પૂરી થઇ જાય, પણ એમ વાતનો અંત આવતો નથી. આ શરીર જેને કારણે જીવંત બન્યું હોય છે તે આત્મ તત્ત્વ મરણ વખતે તેનાથી છૂટું પડી જાય છે, પણ તેનું અસ્તિત્વ બની રહેલું રહે છે. જ્યાં સુધી આ ચેતન તત્ત્વ શરીરમાં વ્યાપેલ હોય છે ત્યાં સુધી શરીર સક્રિય બનીને કર્મ કરતું રહે છે. તેનો અર્થ એ થયો કે કર્મ કરનાર કે શરીર પાસે કરાવનાર આત્મતત્ત્વ છે જેને જીવાત્મા તરીકે ઓળખવામાં આવે છે. આ આત્મા ક્યારેય મરતો નથી. કર્મ અનુસાર તે જુદાં જુદાં શરીરો ધારણ કરે છે અને જે તે શરીરો જર્જરિત થતાં કે સમય જતાં તે છોડીને ચાલ્યો જાય છે અને જ્યાં ગયો હોય ત્યાં વળી પાછાં નવાં શરીર ધારણ કરીને કર્મ કરતો રહે છે અને કર્મ ભોગવતો રહે છે.
વેદાંત વિચારમાં ક્યાંક એવું નિરુપણ થયેલું કે આત્મા તો જળકમળવત્ છે. તે નથી કર્તા કે નથી ભોક્તા, પરંતુ આ વાત સાપેક્ષ છે. જો આત્મા કર્મ કરતો ન હોય તો પછી કર્મ કરે છે કોણ અને ભોગવે છે કોણ?
કર્મનો ભાર વહન કરનાર કોઇ એવું તત્ત્વ હોવું જોઇએ કે જે શાશ્વત હોય અને ભવાંતરમાં કર્મને લઇને સાથે જતું હોય. વાસ્તવિકતામાં વાતનો મર્મ એ છે કે શુદ્ધાત્મા કર્મ કરતો નથી અને ભોગવતો નથી. તેને કર્મ લાગતું નથી, કારણ કે તે કષાય (રાગ દ્વેષ)રહિત હોય છે. કષાયથી કલુષિત થયેલ આત્માને કર્મ લાગે છે અને તેને કારણે તે કર્મનો કર્તા અને ભોક્તા બને છે. •

You might also like