રાજદ્રોહના કેસમાં ચિરાગ અને વિપુલ પટેલના જામીન મંજૂર

અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલ સિવાય રાજદ્રોહના અન્ય બે આરોપી ચિરાગ અને વિપુલ દેસાઈને નામદાર કોર્ટ તરફથી રાહત મળી છે અને બંનેની જમીન અરજી 25 હજારના બોન્ડ તેમજ અન્ય શરતો સાથે મંજુર કરવામાં આવી છે.

હાર્દિક પટેલની સાથે સાથે રાજદ્રોહના અન્ય બે આરોપી ચિરાગ અને વિપુલ દેસાઈની જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી છે, બન્નેને 25,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. આરોપીના વકીલ એ દલીલ કરી હતી કે વિપુલ તો આત્મહત્યા કરવાનો હતો, તેને આ કેસમાં આરોપી ન બનાવી શકાય. તેમજ ચિરાગ અંગે દલીલ કરી હતી કે તેના વિરુદ્ધ જે પુરાવાઓ છે તેના આધારે જામીન આપી શકાય છે.

આ ઉપરાંત બન્ને સુરતના હોવાથી તેઓ જ્યારે કહેશે તપાસ માટે હાજર થઈ શકે એમ છે. આવી દલીલો બાદ બંનેના જમીન નામદાર કોર્ટ દ્વારા ગુજરાત નાં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા, આ પ્રકારની પ્રવૃતિમાં ભાગ નાં લેવાની શરતે મંજુર કરવામાં આવ્યા છે.

છેલ્લા ચાર મહિના કરતા પણ વધારે સમયથી જેલવાસ ભોગવી રહેલ ચિરાગ અને વિપુલ દેસાઈને જામીન મળતા તેમના પરિવાર દ્વારા ખુશી વ્યક્ત કરતા ન્યાય તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજદ્રોહના કેસમાં લાજપોર જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની આજે કોર્ટ પેશી કરવામાં આવી હતી. હાર્દિકે કોર્ટની બહાર જણાવ્યું હતું કે પાટીદારો માટે અનામત મહત્વની, સમાધાન પછી. પાસના કન્વિનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.

આજ રોજ તેને રૂટીન પ્રોસેસ માટે તેમજ જેલ ટ્રાન્સફર બાબતે હાર્દિકને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં જેલ પ્રસાશન દ્વારા જેલ ટ્રાન્સફરને લઈને કોઈ જવાબ રજુ કરવામાં આવ્યો ન હતો, આ મામલામાં આગામી 10 મેના પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

દર વખતે હાર્દિકને પીસીઆર વાનમાં લાવવામાં આવે છે, જ્યારે આજે હાર્દિકને હાઈ સુરક્ષા વચ્ચે લાવવામાં આવ્યો હતો. સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ પર્પઝ વાહનમાં આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને આત્મવિલોપનની ધમકી આપનાર વિપુલ દેસાઇ (પટેલ) અને ચિરાગ દેસાઇ (પટેલ)ની સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરી હતી. હાર્દિક પટેલ, વિપુલ દેસાઇને આત્મવિલોપન બાબતે સમજાવવા ગયા ત્યારે પાટીદારનો દીકરો મરે નહીં, બે-ચાર પોલીસવાળાને મારી નાખ, બાકી પટેલ મરે નહીં કોઇ દિવસ તેવું કહેતાં સુરત ડીસીપી ઝોન-૩ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાયો હતો અને હાર્દિક પટેલની ધરપકડ કરાઇ હતી.

You might also like