ચિંતન અને દેવદત્ત શાહ સામે હત્યા અને મારામારીના ગુના નોંધાયેલા છે

અમદાવાદ: સોલાના એસજી હાઈ વે નજીક કેમ્બે ગ્રાન્ડ હોટેલના રેમ્બો પુલ સાઈડ કેફે લોન્જ કમ હુક્કા બારમાં મ્યુઝિક બંધ કરવા જેવી બાબતે ગઇકાલે બપોરે દેવદત્ત શાહ નામના યુવકે રિવોલ્વરથી ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે અને દેવદત્ત શાહ અને તેના મિત્ર ચિંતન શાહ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. દેવદત્ત શાહ અને ચિંતન શાહ સામે અગાઉ પણ ગુના નોંકાઇ ચૂકયા છે.

સોલા સેન્ટોસા ગ્રીનલેન્ડમાં રહેતા બ્રિજરાજસિંહ ગોહિલ અને વિવેક પંચાલ સાથે ભાગીદારીમાં રેમ્બો પુલ સાઈડ કેફે એન્ડ લોન્ચ કેફે ચલાવે છે. ગુરુકુલ શ્યામ સુંદર રો હાઉસમાં રહેતો દેવદત્ત શાહ વિવેક પંચાલનો મિત્ર હોવાથી કેફે શરૂ થયું ત્યારથી અવાર નવાર આવતો હતો અને પોતાનો રોફ જમાવતો હતો. શનિવારે રાતે દેવદત્ત કેફેમાં બેઠો હતો ત્યારે તેના મોબાઈલ ઉપર ફોન આવતાં તેણે મેનેજર જાનબક્ષને મ્યુઝિક સિસ્ટમ બંધ કરવા કહ્યું હતું. જાનબક્ષે મ્યુઝિક બંધ કરવાની ના પાડી દેતાં દેવદત્ત ઉશ્કેરાઇ ગયો હતો અને માથાકૂટ શરૂ કરી હતી તે સમયે દેવદત્ત હુક્કાબારમાંથી જતો રહ્યો હતો.

ગઇ કાલે બપોરે ૧ર.૩૦ વાગ્યે દેવદત્ત ઓઢવમાં રહેતા તેના મિત્ર ચિંતન શાહ સાથે કેમ્બે હોટલમાં આવ્યો અને સ્વિમિંગપૂલ પાસે જઇને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પોલીસે આ મુદ્દે દેવદત્ત અને તેના મિત્ર ચિંતન શાહ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી જેમાં દેવદત્ત પાસે આવેલી આ રિવોલ્વર તેના પિતા કલ્પેશ શાહની હોવાની પોલીસને આશંકા છે ઉલ્લેખનીય છે દેવદત્ત વિરુદ્ધ મારામારી તેમજ ધાકધમકી આપવાના ચારથી પાંચ ગુના નોંધાયા હોવાથી ર૦૧પમાં તેની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ચિંતન નરોડામાં એક ખૂનના ગુનામાં જેલમાં જઇ આવ્યો છે.

આ મુદ્દે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ડી. વી. રાણાએ જણાવ્યું હતું કે દેવદત્તની ધરપકડ બાદ તેની વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી થઇ શકે છે આ સિવાય જો રિવોલ્વર તેની પિતા કલ્પેશ શાહની હશે તો તેમની વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરીને તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

You might also like