ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચોથી વન ડે દરમિયાન પણ વરસાદની આગાહી

બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં ગુરુવારે રમાનારી ચોથી વન ડે મેચ પર પણ વરસાદનું જોખમ મંડરાઈ રહ્યું છે. હવામાન ખાતાએ આગામી ૨૪થી ૪૮ કલાકમાં આંધી અને ભારે વરસાદની આગાહી કરી છે. પાછલા ૨૪ કલાકથી બેંગલુરુના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે ૫૪ મિ.મી. વરસાદ નોંધ્યો છે. આગાહી અનુસાર હજુ ૨૪થી ૪૮ કલાક દરમિયાન હળવોથી ભારે વરસાદ બેંગલુરુમાં પડી શકે છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમના ક્યુરેટર પીચને સૂકી રાખવાનો દરેક પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે મેચમાં ઓવરની સંખ્યા ઓછી થાય નહીં. સ્ટેડિયમમાં જોકે વરસાદ બાદ મેદાનને સૂકવવાની અતિ આધુનિક ટેકનિક છે. આ ટેકનિકની મદદથી ભારે વરસાદ છતાં મેચ જલદી શરૂ કરી શકાય છે.

બંને ટીમને કોલકાતામાં પણ વરસાદનો સામનો કરવો પડ્યો હતો અને બંને ટીમે ઇનડોર પ્રેક્ટિસ કરી હતી. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી વન ડે પહેલાં પણ વરસાદ પડ્યો હતો, પરંતુ મેચ પર વરસાદનો કોઈ પ્રભાવ પડ્યો નહોતો. ચેન્નઈમાં પહેલી મેચ દરમિયાન વરસાદે બે કલાકનું વિઘ્ન નાખ્યું હતું, ત્યાર બાદ બેટિંગ કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની ઇનિંગ્સ ૨૧ ઓવરની કરી દેવામાં આવી હતી. ભારત પાંચ વન ડે મેચની શ્રેણીમાં ૩-૦ની અજેય સરસાઈ હાંસલ કરી ચૂક્યું છે.

You might also like