ચાઇનીઝ ટીવીમાં બ્રાન્ડેડ ટીવીના લોગો લગાવી વેચવાનું કૌભાંડ

અમદાવાદ: દિલ્હીથી એસેમ્બલ ચાઇનીઝ ટીવી ખરીદી અમદાવાદ લાવી કારીગરો મારફતે પેનડ્રાઇવ દ્વારા બ્રાન્ડેડ કંપનીના સોફટ લોગો ટીવીમાં સેટ કરી કંપનીનાં સ્ટિકર અને લોગો બહારના ભાગે લગાવી ડુ‌િપ્લકેટ બ્રાન્ડેડ ટીવી વેચવાના કૌભાંડનો સાયબર ક્રાઇમ બ્રાન્ચે પદાર્ફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પ૮૩ એલઇડી ટીવી, પેનડ્રાઇવ અને જુદી જુદી બ્રાન્ડેડ કંપનીના સિમ્બોલવાળાંસ્ટિકરનું બોક્સ મળી રૂ.રર.૬પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ આ ટીવીને સસ્તા ભાવે અમદાવાદના રિલીફરોડ પર આવેલી મારુતિ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં તેમજ ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં વેચાણ કરતા હતા.

મળતી માહિતી મુજબ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ એસીપી ડો.રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં કામ કરતા પીઆઇ ગેડમ અને ટીમને બાતમી મળી હતી કે સરખેજ-સાણંદ ચોકડી પર આવેલા નંદન એસ્ટેટના ગોડાઉન નં.૧૭માં ડુ‌િપ્લકેટ બ્રાન્ડેડ ટીવી બનાવવાનું કૌભાંડ ચાલે છે, જેના આધારે પીએસઆઇ પી.એન. ઝીંઝુવા‌િડયા સહિતની ટીમે ગઇ કાલે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે પ્રકાશ દલસુખભાઇ વાળા (ઉં.વ.૪૭, રહે. કલ્પના એપાર્ટમેન્ટ, પાલડી), રાજેશ મફતભાઇ ખલાસ (ઉં.વ.૪૪, રહે. ધના સુથારની પોળ, કાલુપુર) અને રાજેશ પંચાલ (રહે.જનતાનગર સોસાયટી, રામોલ)ને ઝડપી લીધા હતા.

આરોપીઓની પૂછપરછ કરતાં ગોડાઉન પ્રકાશ વાળાનું હોવાનું જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષથી દિલ્હીથી તેઓ જુદા-જુદા ઇંચની સાઇઝના એસેમ્બલ ચાઇનીઝ ટીવી જથ્થાબંધ મંગાવી રાજેશ ખલાસ અને રાજેશ પંચાલ મારફત તેમજ પેનડ્રાઇવમાં જુદી જુદી બ્રાન્ડેડ ટીવીના લોગો એસેમ્બલ ટીવીમાં સેટ કરીને બ્રાન્ડેડ કંપનીનાં જુદાં જુદાં ફીચર્સ નાખી અસલ બ્રાન્ડેડ ટીવી જેવું બનાવી દેતા હતા. ટીવીની બહાર પણ તેઓ બ્રાન્ડેડ કંપનીનો લોગો અને ‌િસ્ટકર લગાવી બજારમાં વેચાણ કરતા હતા.

આરોપીઓ આ બનાવટી બ્રાન્ડેડ ટીવી તૈયાર કરી રિલીફરોડ પર જેસી ચેમ્બર્સ પાસે આવેલ મારુતિ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં રાખતા હતા. પોલીસે ગોડાઉનમાંથી તેમજ દુકાનમાંથી કુલ પ૮૩ એસેમ્બલ ટીવીનો જથ્થો કબજે કર્યો હતો. ૭૦૦ સ્કવેર ફૂટના ગોડાઉનમાં તેઓ મોટા પ્રમાણમાં ચાઇનીઝ એસેમ્બલ ટીવીનો જથ્થો મૂકી રાખતા હતા. એક પણ ટીવીનાં બિલ તેઓની પાસે ન હતાં. સૌથી વધુ ૧૭, ર૪ અને ૩ર ઇંચનાં ટીવી મળી આવ્યાં હતાં. સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.એન. ઝીંઝુવા‌િડયાએ જણાવ્યું હતું કે આરોપીઓ બ્રાન્ડેડ ટીવીની મૂળ કિંમત કરતાં ઓછા અથવા અડધા ભાવે ડુ‌િપ્લકેટ ટીવી વેચતા હતા. અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ તેઓ આ ટીવી વેચતા હતા.
http://sambhaavnews.com/

You might also like