ચીની સેનાએ ઓગસ્ટમાં ભારતીય સરહદમાં ચાર કિ.મી. સુધી ત્રણ વખત ઘૂસણખોરી કરી

નવી દિલ્હી: ડોકલામ વિવાદ બાદ ચીને વધુ એક વખત ભારતીય સરહદમાં અતિક્રમણ અને ઘૂસણખોરીને અંજામ આપવાની કોશિશ કરી છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદે વિવાદ જારી છે. ચીન સતત દોસ્તીનો બહારથી દાવો કરે છે, પરંતુ અંદરખાને તેની ભારત વિરોધી પ્રવૃત્તિ સતત જારી છે.

આઇટીબીપીના અહેવાલો અનુસાર ઓગસ્ટ મહિનામાં ચીની સેનાએ ભારતીય સરહદમાં ત્રણ વખત ઘૂસણખોરી કરી હતી. ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં ૬ ઓગસ્ટ, ૧૪ ઓગસ્ટ અને ૧પ ઓગસ્ટના રોજ ઘૂસણખોરી કરી હતી. આ દરમિયાન ચીનની સેના પીએલએના સૈનિકો અને કેટલાક સિવિલિયનો બારાહોતીની રીમથીમ પોસ્ટ નજીક જોવા મળ્યા હતા.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકો લગભગ ચાર કિ.મી. સુધી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. આપણો દેશ જયારે ૧પ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્યદિન મનાવી રહ્યો હતો ત્યારે ચીની સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. આઇટીબીપીના સખત વિરોધ બાદ ચીનના સૈનિકો અને તેના નાગરિકોને પીછેહઠ કરવી પડી હતી.

સિક્કિમ અને ભુતાનની સરહદ પર આવેલ ડોકલામમાં પણ ચીનના સૈનિકોએ ગઇ સાલ કેટલાયે મહિનાઓ સુધી ડેરા તંબૂ તાણી રાખ્યા હતા. તેની સામે ભારતે વિરોધ કર્યો હતો અને લગભગ ૭૦ દિવસ સુધી બંને દેશોના સૈ‌નિકો સામસામે અડીંગો જમાવીને બેસી ગયા હતા. જોકે પાછળથી આ વિવાદ ઉકેલાઇ ગયો હતો, પરંતુ આ દરમિયાન બંને દેશો વચ્ચે ભારે તણાવ પેદા થયો હતો.

બંને દેશોની સરકાર બોર્ડર પર શાંતિની વાતો કરે છે, પરંતુ વાસ્તવિક સ્તરે પરિસ્થિતિ અલગ જ છે અને ચીન જ્યારે પણ મોકો મળે છે ત્યારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની એક પણ તક જતું કરતું નથી.

You might also like