ઠક્કરબાપાનગરમાંથી ચાઇનીઝ દોરીનાં ટેલર સાથે બેની ધરપકડ

અમદાવાદ: ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનાં વેચાણ પર શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકાયો છે ત્યારે ક્રાઇમ બ્રાંચે ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ટેલરના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રૂ.૯૬,૦૦૦ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાનમાં સાયબર ક્રાઇમ બ્રાંચના જે.એમ. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે છોટા હાથીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનાં ટેલરો લઇ જવાઇ રહ્યાં છે. જેના આધારે પોલીસે ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી છોટા હાથીમાંથી ચાઇનીઝ દોરી ટેલર નંગ ૯૬૦ કિંમત રૂ.૯૬,૦૦૦ કબજે કર્યો હતો. પોલીસે દિનેશ ઇશ્વરભાઇ લાલવાણી અને ગોવિંદ સંગ્રામરામ પંચાલની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં આ ચાઇનીઝ દોરીનાં ટેલર કુબેરનગરનાં માયાનગર સિનેમા પાસે આવેલ સિંધુ જ્યોતિ સોસાયટીમાં રહેતા મોનુભાઇ, સન્નીભાઇ અને રાજુભાઇ સરદાર નામની વ્યક્તિઓએ મંગાવેલા હતાં. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય જગ્યાએ જથ્થો મોકલાવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like