પ્રતિબંધ હોવા છતાં આકાશ તુક્કલોથી છવાયું

અમદાવાદ: ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ તુક્કલોના કારણે આગના બનાવો બનતા હોય છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ તુક્કલ ઉડાડવા અને વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં ગઇ કાલે ચાઇનીઝ તુક્કલથી આકાશ ઉભરાયું હતું. શહેરમાં અનેક જગ્યાએ લોકોએ ચાઇનીઝ તુક્કલ ઉડાડી મજા માણી હતી. જોકે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધના કારણે આ વર્ષે ચાઇનીઝ તુક્કલો ઓછી ઊડી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાં ર૩ જેટલા પોલીસ જાહેરનામાના ભંગના કેસ કરી ૭પ૯૬ ચાઇનીઝ તુક્કલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ જાહેરનામું બહાર પાડીને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં વેપારીઓએ ઠગલાબંધ ચાઇનીઝ તુક્કલોનું વેચાણ કર્યું હતું. ગઇ કાલે ઉત્તરાયણનો તહેવાર હોઇ સરેઆમ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી અનેક લોકોએ ચાઇનીઝ તુક્કલો ઉડાડી હતી. બીજી તરફ શહેરમાં સાંજના સમયે આ રીતે અનેક ચાઇનીઝ તુક્કલ ઉડતા શહેર પોલીસ સફાળી જાગી હતી અને પોલીસે વિવિધ વિસ્તારમાં આવેલા પતંગ દોરીના બજારોમાં દરોડા પાડીને ચાઇનીઝ તુક્કલનો જથ્થો કબજે કર્યો હતો.

વસ્ત્રાપુર પોલીસે શનિદેવ મંદિર પાછળ જાહેરમાં ચાઇનીઝ તુક્કલ ઉડાવતા એક શખ્સની ધરપકડ કરી છે.  જ્યારે જોધપુર ચાર રસ્તા નજીક સત્યમ સ્ટેટસની બહાર રોડ પર ચાઇનીઝ તુક્કલ ઉડાડતા એકની તથા જોધપુર ટેકરા પાસે ચાઇનીઝ તુક્કલ ઉડાડતા એક શખ્સની પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી ધરપકડ કરાઇ હતી. પોલીસે વેજલપુર, પાલડી, કૃષ્ણનગર, વસ્ત્રાપુર, શાહપુર, ખાડિયા, માધવપુરા વગેરે વિસ્તારોમાંથી ચાઇનીઝ તુક્કલો કબજે કરી હતી. ચાઇનીઝ તુક્કલોના કારણે શહેરમાં આગના દસેક જેટલા બનાવ બન્યા હતા.

You might also like