ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા ચોક્સી મહાજન આગળ આવ્યું

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં ચાઈનીઝ માલ-સામાનની બોલબાલા વધી રહી છે અને તેના કારણે સ્થાનિક ઉત્પાદકોને મોટાે આર્થિક ફટકો પડ્યો છે ત્યારે માણેકચોક ચોકસી મહાજન પણ ચાઈનીઝ ચીજોનો બહિષ્કાર કરવા આગળ આવ્યું છે. ચોક્સી મહાજનના જણાવ્યા પ્રમાણે ચીનથી આયાત થતાં મશીનોમાં સોના અને ચાંદીની મશીન વર્કની જ્વેલરી મોટા પ્રમાણમાં બનાવાય છે અને તેના કારણે સ્થાનિક રોજગારને મોટા ફટકો પડ્યો છે. હાથથી બનાવતા કારીગરોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.

ચોકસી મહાજને વધુમાં જણાવ્યું કે ચાઈનીઝ ચીજવસ્તુના ડમ્પીંગથી સ્વદેશી ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે ચીનના ઉત્પાદકોને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે.  આવા સંજોગો સ્થાનિક ઉત્પાદકોને વધુ આર્થિક ફટકો પડે તે પહેલાં જ ચાઈનીઝ ચીજવસ્તુઓ બહિષ્કાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં ચીનની બનાવટની જ્વેલરીની બોલબાલા ધીમે ધીમે વધી રહી છે ત્યારે સ્થાનિક જ્વેલરી બજારોની ચિંતા વધી રહી છે.

બહિષ્કારને સફળ બનાવવા ચેમ્બર રૂપરેખા ઘડી કાઢશે
દેશનાં આર્થિક હિતોની રક્ષા માટે સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ આગળ આવી છે. વિવિધ વેપારી એસોસિયેશનો અને મહાજનોની આ ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કાર સંદર્ભે આગામી સોમવારે ચાર વાગ્યે એક બેઠક પણ મળી રહી છે. ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની આ પહેલને સફળ બનાવવા માટેની રૂપરેખા ઘડી કાઢવા આ બેઠકનંુ આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ચીન ભારત થકી અબજો રૂપિયાનો વેપાર મેળવે છે તેમ છતાં પણ પાછલા કેટલાક સમયથી ભારત-પાક. વચ્ચે ઊભી થયેલી તંગ પરિસ્થિતિમાં ચીન પાકિસ્તાનની તરફેણમાં નિર્ણય લે છે.

You might also like