બે અંતરિક્ષ યાત્રીઓ સાથે ચીનના માનવ મિશનનો આરંભ

બીજિંગ: પૃથ્વીની પ્રદ‌િક્ષણા કરી રહેલી પોતાની બીજી પ્રાયોગિક પ્રયોગશાળા પર બે અંતરિક્ષ યાત્રીઓને મોકલવા માટે ચીને આજે સવારે એક માનવયુકત અંતરિક્ષ અભિયાન લોન્ચ કર્યું હતું. ચીનના એક માનવયુકત અંતરિક્ષ અભિયાનના ભાગરૂપે મોકલવામાં આવેલા આ બે અંતરિક્ષ યાત્રીઓ ત્યાં એક મહિના સુધી રહેશે.

ચીનનું લક્ષ્ય ર૦રર સુધીમાં પોતાનું કાયમી અંતરિક્ષ મથક સ્થાપવાનું છે. ચીનના અંતરિક્ષ યાત્રી ચિંગ હેપેન્ગ (ઉં.વ.પ૦) અને ચેન ડોંગ (ઉં.વ.૩૭) ઉત્તરી ચીનમાં ગોબી ડેઝર્ટની નજીક જીયુકઆન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી આજે વહેલી સવારે ૭-૦૦ વાગ્યે શેનઝોઉ-૧૧ અંતરિક્ષ યાન દ્વારા અંતરિક્ષમાં જવા રવાના થયા હતા.

સરકારી સમાચાર સંસ્થા શિન્હુઆએ સમાચાર એજન્સી હુપિંગને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસની અંદર આ અંતરિક્ષ યાન પૃથ્વીની પ્રદ‌િક્ષણા કરી રહેલ તિયાનગોંગે-ર અંતરિક્ષ પ્રયોગશાળા સાથે જોડાશે અને આ પ્રયોગશાળામાં બંને અંતરિક્ષ યાત્રીઓ ૩૦ દિવસ સુુધી રહેશે. ચીને પોતાનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન ર૦૦૩માં શરૂ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને યુરોપની બરાબરી કરવાની ઝુંબેશના ભાગરૂપે ચીન પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે અબજોનો ખર્ચ કરી રહ્યું છે. ભારત અને અન્યની બરાબરી કરવાના હેતુથી ર૦ર૦ સુધીમાં ચીનનું પોતાનું પ્રથમ મંગળ મિશન શરૂ કરવાની યોજના છે.

You might also like