ડ્રેગનનો નવો દાવ, અરૂણાચલ સીમા પર ચીનનો પગપેસારો

ચીનનાં વુહાનમાં ચાની ચુસ્કી સાથે સંબંધને મજબૂત કરવાની વાતો તો ઘણી થઇ ગઇ પરંતુ નદીનાં પટ્ટ પર થયેલી વાતો જાણે પ્રવાહ સાથે વહી ગઈ. PM મોદી અને શી જિનપીંગની મુલાકાતનાં થોડાંક જ દિવસોમાં ચીને ફરી આગ ઓકવાનું શરૂ કરી દીધું છે. અરૂણાચલ પ્રદેશ પર હંમેશા પોતાની ધાક જમાવવાનાં સ્વપ્ન જોઈ રહેલ ચીને હવે આ પ્રદેશમાં જ સરહદ નજીક ખનન શરૂ કર્યું છે અને સોનાના ભંડાર શોધી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતને હજુ એક મહિનો પણ પુરો નથી થયો. ત્યાં અરૂણાચલની સરહદ પર ચીની સેનાની હરકતો ફરી શરૂ થઈ ગઈ છે.

ચીન અરૂણાચલ પ્રદેશ સાથે જોડાયેલા પોતાનાં વિસ્તારમાં મોટા પાયે ખનન શરૂ કર્યું છે. જે વિસ્તારમાં સોનું, ચાંદી, અને અન્ય કિમતી ખનીજનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. જેની કિંમત અંદાજીત 60 અરબ ડોલર થાય છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટનાં એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય સીમા સાથે જોડાયેલા ચીનનાં લુંઝ કાઉન્ટીમાં ચીનનો માઈનીંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ બતાવીને તેનાં પર પોતાનો દાવો કરી રહ્યું છે. તેવામાં સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારમાં ચીનનાં આ પ્રોજેક્ટથી ડોકલામ બાદ ફરી એક વાર બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે.

રિપોર્ટમાં માઈનિંગ ઓપરેશનને ચીન દ્વારા અરૂણાચલને પોતાનાં કબ્જામાં લેવાની તેની રણનીતિ પણ બતાવવામાં આવી છે. નિષ્ણાંતોનાં મતે માઈન્સ પેઈચિંગ ચીનનાં એક મહત્વકાંક્ષી પ્લાનનો હિસ્સો છે. જેનાં દ્વારા ચીન દક્ષિણ તિબેટ પર પોતાનો દાવો મજબૂત કરી શકે છે.

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદીનાં ચીન પ્રવાસ બાદ એવું લાગી રહ્યું હતું કે, બંને દેશનાં સંબંધોમાં સુધાર થશે અને સરહદ પરનાં તણાવનું નિવારણ આવશે. પરંતુ ડ્રેગન તેની હરકતથી બાઝ ન આવ્યું.

અરૂણાચલ પર ખરાબ નજર?
ડોકલામ બાદ તણાવ ઘટાડવાની કરાઇ હતી પહેલઃ
આ રિપોર્ટ એવા સમયમાં આવ્યો હતો કે જ્યારે થોડાંક સપ્તાહ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વુહાન શહેરમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક બેઠક કરી હતી.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ બંને દેશોમાં પેદા થયેલ તણાવને ઓછો કરવાનો જણાવવામાં આવ્યો હતો. જો કે ચીનનાં આ નિર્ણયથી તણાવ ફરી વધી શકે છે.

તમને જણાવી દઇએ કે 73 દિવસો સુધી ચાલેલા ગતિરોધ બાદ ભારત અને ચીનનાં સંબંધ વધારે તણાવપૂર્ણ થઇ ગયાં હતાં. ગયા વર્ષે જ ઓક્ટોમ્બરમાં ડોકલામનાં અંદાજે બે મહિના બાદ લુંઝનો વિસ્તાર સમાચારોમાં ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો.

જ્યારે શી જિનપિંગે લુંઝ કાઉંટીનાં એક પરિવારનાં પત્રાચારનો જવાબ આપતા ક્ષેત્ર પર પેઇચિંગનો દાવો કર્યો હતો. આ પરિવાર અરૂણાચલ પ્રદેશની સીમાથી લાગેલ આબાદીનાં લિહાજથી ચીન સૌથી નાનો કસ્બો યુમઇમાં રહે છે.

You might also like