ભારતીયો દ્વારા પ્રોડક્ટના બહિષ્કારથી ભડકી ઉઠ્યું ચીન

નવી દિલ્હી : ભારતમાં એક તબક્કા દ્વારા ચાઇનિઝ વસ્તુઓનાં બહિષ્કારની અપીલ વચ્ચે ડ્રેગને દ્વિપક્ષીય સંબંધો અને વેપાર મુદ્દે ચેતવણી આપી છે. ચીને ગુરૂવારે કહ્યું કે એવો કોઇ પણ પ્રયાસ ભારતમાં રોકાણ અને બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ પર નકારાત્મક અસર કરશે. ચીનનાં અનુસાર આવા બહિષ્કારની ચીન પર વધારે અસર નહી પડે પરંતુ વિકલ્પહીનતાનાં કારણે ભારતીય વેપારીઓ અને ગ્રાહકોને વધારે નુકસાન થશે.

આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યા બાદ ચીની વસ્તુઓના બહિષ્કાર માટે આહ્વાન થઇ રહ્યું છે. પાકિસ્તાનનો સાથ આપવા અને આતંકવાદને પોષવા માટે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા અંગે આહ્વાન થઇ રહ્યું છે. જેનાં કારણે ચીન ધુંધવાયું છે. ચીની મીડિયાનાં અહેવાલ અનુસાર આ પ્રકારનાં આહ્વાનથી ચીનનાં વેચાણમાં કોઇ ઘટાડો નહી થાય પરંતુ બંન્ને દેશોનાં સંબંધો બગડશે.

ચીની સરકારનાં મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઇમ્સ અખબારમાં જણાવાયા અનુસાર સોશ્યલ સાઇટ્સ પર ચલાવાઇ રહેલા અભિયાનને સ્થાનિક રાજકારણીઓ ઉશ્કેરી રહ્યા છે. ભારતીય મીડિયા પણ આમા સાથ આપી રહ્યું છે. જો કે ભારત સરકારે ક્યારે આ સામાન નકાર્યો નથી. ચીને દાવો કરતા કહ્યું કે, ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા, સ્નેપડિલ સહિતનાં પ્લેટફોર્મ્સ પર શિયોમીનાં પાંચ લાખ મોબાઇલ માત્ર 3 દિવસમાં વેચાઇ ગયા હતા.

ચીની મીડિયા અનુસાર જે પ્રકારે સોશ્યલ મીડિયામાં ચીનનો વિરોધ કરાઇ રહ્યો છે. તેનાં કારણે ચીનનાં નિકાસને કોઇ લાંબો ફરક નહી પડે પરંતુ ભારત અને ચીનના સંબંધોમાં ફરક જરૂર પડશે. બંન્ને દેશોનાં દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ આવી શકે છે.

You might also like