સપ્તાહમાં બીજી વાર ચીનનું શેરબજાર ધડામ

અમદાવાદ: સપ્તાહમાં બીજી વાર ચીનના શેરબજારમાં સાત ટકાના ઘટાડાના પગલે ટ્રેડિંગ રોકી દેવાયું છે. ચીનની ઇકોનોમીને લઇને વધતી જતી ચિંતાઓના કારણે ઇક્વિટી બજાર ઉપર પ્રેશર વધ્યું છે. ચીનનાે શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ સાત ટકા તૂટ્યો છે. ચીનનો અગ્રણી ઇન્ડેક્સ સીએસઆઇ-૩૦ ખૂલ્યાની દશ મિનિટની અંદર પાંચ ટકા તૂટ્યો હતો. ત્યાર બાદ પાંચ મિનિટ ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું, પરંતુ બજારમાં ભારે વેચવાલીએ ઇન્ડેક્સમાં ૭.૩૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદ એક્સચેન્જ દ્વારા દિવસભર માટે ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું. ચીનના બીજા અગ્રણી ઇન્ડેક્સમાં પણ કડાકો બોલાઇ ગયો હતો. આ ઇન્ડેક્સમાં સાત ટકાનો ઘટાડો નોંધાઇ ૩૧૧૫ની સપાટીએ આંક આવી ગયો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનની સેન્ટ્રલ બેન્કે તેની કરન્સીનું અર્ધો ટકો ડિવેલ્યૂએશન કરતાં ચીન સહિત એશિયાઇ બજારમાં ભારે અફરાતફરી જોવા મળી હતી.

દરમિયાન એશિયાનાં બજારમાં પણ ચીનની અસર જોવા મળી હતી. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં ૧.૮૮ ટકાનો ઘટાડો જોવાયો હતો, જ્યારે હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ત્રણ ટકા તૂટ્યો છે. સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ પણ ૧.૫૬ ટકાના નીચા ગેપથી ખૂલ્યો છે. એ જ પ્રમાણે એશિયાનાં અન્ય શેરબજાર જેવાં કે તાઇવાન અને કોરિયાના કોસ્પી શેરબજારમાં એકથી બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

You might also like