સેલ્ફીનો ક્રેઝ: ચીનમાં યુવાનો ચઢી ગયા ભગવાન બુદ્ધની પ્રતિમા…

હેનાન: સ્માર્ટફોનના યુગમાં સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ચીનમાં આવેલા જિયાન જ્ઞાન મંદિરમાં કેટલાક યુવાનોએ સેલ્ફી લેવાના ચક્કરમાં ૧૦૦૦ વર્ષ જૂની ભગવાન બુદ્ધની પ્રતિમા પર ચઢી જઈને સેલ્ફી લીધી હતી અને તેને સોશિયલ મીડિયામાં વાઈરલ કરતાં ભગવાન બુદ્ધના અનેક અનુયાયીમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને યુવાનોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં ચીનમાં બનલી એક ઘટનામાં કેટલાક યુવાનોએ સેલ્ફી લેવાની લાયમાં પૌરાણિક અને ઐતિહાસિક ધરોહરની પરવા કર્યા વિના જિયાન જ્ઞાન મંદિરમાં રહેલી ભગવાન બુદ્ધની ૧૦૦૦ વર્ષ જૂની પ્રતિમા પર કેટલાક યુવાનો ચઢી ગયા હતા અને આ ઘટના અંગે એક યુવકે વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેતાં આ વીડિયોને જોઈ ભગવાન બુદ્ધના અનેક અનુયાયીમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ વીડિયોમાં ટૂરિસ્ટ યુવાનો ભગવાન બુદ્ધની પ્રતિમાના માથાના ભાગ સુધી ચઢી ગયા હતા અને કેટલાક ખભાના ભાગે બેઠેલા જોવા મળ્યા હતા.

આ ઘટનાને નજરે નિહાળનાર વ્યક્તિના હવાલાથી દક્ષિણ ચાઈના મોર્નિંગ પોસ્ટે લખ્યું હતું કે આ ઘટનામાં ટૂરિસ્ટની હરકત માત્ર અનૈતિક જ નહિ પણ ખૂબ જ ખતરનાક હતી, જોકે આ ઘટનામાં પ્રતિમાને કેટલું નુકસાન થયું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ સોશિયલ મીડિયાના યુઝર્સે આ યુવકોને આકરી સજા આપવા માગણી કરી છે.

You might also like