ચીનની સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભારતીય નૌકાદળ માટે ચિંતાજનક

ચીને સંરક્ષણ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી ભારતને પાછળ રાખી દીધું છે. ચીને તેના જ દેશના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા એરક્રાફ્ટ કેરિયર દ્વારા દરિયામાં ટ્રાયલ શરૂ કરી દીધી છે. ચીનનું એ પોતાના માટેનું ઐતિહાસિક પગલું છે, જે પગલા દ્વારા તેણે સંરક્ષણ ક્ષેત્રે એક આધુનિક શસ્ત્રાગાર તરતું મૂક્યું એટલું જ નહીં, નૌકાદળનો જુસ્સો વધારીને દરિયાના વિવાદાસ્પદ વિસ્તારમાં જઈને ઊભું રહી ગયું છે. આ એરક્રાફ્ટ કેરિયરના કારણે તેના સંરક્ષણ કાફલામાં એક વધારે કેરિયરનો ઉમેરો કર્યો છે.

૨૦૧૨માં તેણે સોવિયેત યુનિયન દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘લીઓનિંગ’ નામનું એરક્રાફટ કેરિયર તરતું મૂક્યું હતું. એ લીઓનિંગ વેસલ હવે મોટા ભાગે ચીને જાતે બનાવતાં વધારાના એરક્રાફ્ટ કેરિયરના સંશોધન અને વિકાસ માટે કરવામાં આવે છે. ત્રીજું એરક્રાફટ બનાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને એ ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર છે.

તેથી ચીનના આ પગલાને ભારતીય નૌકાદળ માટે જોખમી માનવામાં આવી રહ્યું છે. તેથી ભારતે હવે ચીનની આવી આગોતરી તૈયારી સામે વળતો પ્રહાર કરવાનું આયોજન કરવાની તૈયારી કરી દેવી જોઈએ.

વિશ્વમાં જે દેશો પાસે એરક્રાફ્ટ કેરિયર છે તેમાં કમભાગ્યે ભારતનું નામ નથી. યુએસ, રશિયા, યુકે, ફ્રાન્સ, ઈટાલી, થાઈલેન્ડ અને ચીનનાં મળીને ૧૮ એરક્રાફ્ટ કેરિયર છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે સાધનો, શસ્ત્રો અને સગવડો ઊભી કરવામાં હંમેશાં પાછળ રહ્યું છે, જેની પાછળ દેશનું રાજકારણ અને બાબુઓની ફીતાશાહી જવાબદાર છે.

ભારતમાં એક એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટે સરકાર મંજૂરી પણ આપે તો તેને તૈયાર કરવામાં એક દાયકાથી પણ વધુ સમય લાગે. આ બાબતે ચીનમાં ઝડપ જોવા મળે છે. આમ પણ ભારત ચીન સાથે કોઈ ક્ષેત્રે વિસાતમાં હોય તેમ લાગતું નથી.

આપણા નેતાઓ અને આપણે સૌ પરસ્પર લડવામાંથી ઊંચા જ નથી આવતા અને ઊંચા આવીએ તો વિકાસને વેગ મળે ને? માત્ર ‘યોગ’ની વાત કરીએ તો ભારતના લોકો કરતાં ચીનમાં ‘યોગ’ કરનારાની સંખ્યા વધારે છે! સૌથી વધારે એરક્રાફ્ટ કેરિયર અમેરિકા પાસે છે.

૧૧ જેટલાં ન્યૂક્લિયર પાવર્ડ સુપર કેરિયર છે અને ૮૦થી ૯૦ ફાઈટરનો તેમાં સમાવેશ કરવાની ક્ષમતા છે. ચીનને બતાવવા માટે તાજેતરમાં યુએસએસ થીઓડોર રૂઝવેલ્ટ નામના કેરિયરને વોર‌િશપ્સ અને સ્ટ્રાઈક ગ્રૂપ સાથે સાઉથ ચીનના દરિયામાં પોતાના ધ્વજ સાથે ફરવા મોકલ્યું હતું!

ચીનને ઉશ્કેરવા માટે આવું બધું કરવું કેટલા અંશે યોગ્ય કહેવાય એ રાજકીય નેતાઓ જાણે!
ચીને ૨૦૧૨માં તરતા મૂકેલા લીઓનિંગ નામના કેરિયર કરતાં હજુ નામ ન અપાયેલા નવા કેરિયરની ક્ષમતા અને શક્તિ ખૂબ વધારે છે. કેરિયરમાં બાર હજારથી વધારે ઈક્વિપમેન્ટ્સના ભાગ જોડવામાં આવ્યા છે અને એ કામ ૫૩૨ જેટલી ખાનગી કંપનીઓ સહિત ચીનની સાહસિક કંપનીઓએ કર્યું છે અને તેમાં ૩૬૦૦ જેટલી કે‌િબન છે. ચીનના ત્રણ હજાર કારીગરોએ રોજદારી પર એ જહાજનું કામ કર્યું છે. એ ઘણી રીતે લીઓનિંગથી અલગ પડે તેવું છે. આ નવા જહાજ માટેનો ‘આયલેન્ડ’ શોર્ટર છે પણ ‘લેન્ડિંગ સેક્શન’ બહુ લાંબું છે. સરકારની ખબર નથી પણ ભારતીય નૌકાદળના અધિકારીઓ ભારતીય દરિયાઈ સીમામાં ચીનના એ કેરિયર જહાજની હાજરીની ચિંતાના નિરાકરણ માટે મળ્યા, બેઠક યોજવામાં આવી અને ચીનને કઈ રીતે રોકી શકાય તેના ઉપાય વિચારવા ચર્ચા કરાઇ.
જે રીતે અમેરિકાએ ચીનને પોતાનું જહાજ બતાવ્યું એવા જ ઈરાદાથી ચીને પણ ટ્રાયલ દરમ્યાન ભારતીય મહાસાગરમાં પ્રવેશ કર્યો અને શક્તિ પ્રદર્શન કરાવ્યું પણ વાત આટલેથી નથી અટકતી. ચીનની સ્વાર્થવૃત્તિથી આપણા સંરક્ષણદળની ત્રણેય પાંખના વડા પરિચિત છે. ચીનના એ હેતુપૂર્વકના ભારતીય મહાસાગરમાં એમણે પાકિસ્તાનમાં ચીને બાંધેલા ગ્વાદર બંદર અને આફ્રિકાખંડમાં લાંબી હાજરી પછી ચીને બાંધેલા ડીજીબૌતી નવલ બેઝની યાદ અપાવી ગઈ.
જો ચીનને રોકવામાં નહીં આવે તો ચીન ભારતીય ઉપખંડમાં ગમે તે રીતે કાયમી સ્થાન ઊભું કરી દેશે. હજુ એક મહિનો નથી થયો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ વચ્ચે મધ્ય ચીનના વુહાન ખાતે અનૌપચારિક મુલાકાત ગોઠવાઈ હતી તેને.

You might also like