ચીન અરુણાચલ પ્રદેશમાં તવાંગને બદલે અકસાઈ ચીન ભારતને આપે તેવી શક્યતા

બીજિંગ: ભારત સાથે ચાલતા સરહદ વિવાદનો ઉકેલ લાવવા ચીન અરુણાચલ પ્રદેશમાં તવાંગના બદલામાં તેના કબજાવાળા અકસાઈ ચીનને ભારતને આપે તેવી શક્યતા છે. ચીનના પૂર્વ વરિષ્ઠ રાજદ્વારી અને પૂર્વ વાર્તાકાર દાઈ બિંગુઓએ એક મુલાકાતમાં આવું સૂચન કર્યું હતું.

બિંગુઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સરહદના મુદે ચાલતા વિવાદને હલ કરવા તવાંગના બદલામાં ચીન ભારતને અકસાઈ ચીન આપી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તવાંગ ભારત-ચીન સરહદના પૂર્વ સેકટરનો રાજકીય રીતે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. ૨૦૧૩માં નિવૃત થયા પહેલા દાઈ બિંગુઓઅે એક દાયકાથી વધુ સમય સુધી ભારત સાથે ચીનની વિશેષ પ્રતિનિધિ ચર્ચાનું નેતૃત્વ કર્યુ હતુ. જોકે તવાંગનું આદાન પ્રદાન કરવું ભારત સરકાર માટે સરળ નથી. કારણ આ વિસ્તારમાં આવેલા તવાંગ મઠ તિબેટ અને ભારતના બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઈને હજુ ચીન સરકારના નજીકના માણસ માનવામાં આ‍વે છે. તેમની રાજકીય સ્તરે હજુ પણ સારી પકડ છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ટ નેતાઓની સહમતિ વિના તેઓ આવું નિવેદન આપી ન શકે.

દાઈએ જણાવ્યુ હતું કે સરહદને લઈને હજુ પણ વિવાદ ચાલુ રહેવાનું કારણ અે છે કે ચીનની વાજબી માગણી પૂરી થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે જો ભારત પૂર્વ વિસ્તારમાં ચીનનું ધ્યાન રાખશે તો તેના બદલામાં ચીન કદાચ અકસાઈ ચીન ભારતને આપવાનું વિચારી શકે છે.

http://sambhaavnews.com/

You might also like