ચીન દ્વારા યુદ્ધની તૈયારીઓ તેજઃ સરહદે બ્લડ બેન્કો શરૂ

બીજિંગ: ડોકલામ અને લદ્દાખમાં ભારતીય અને ચીની સુરક્ષાદળોની ૧પ ઓગસ્ટે અથડામણ બાદ હવે ચીને ભારત સામે યુદ્ધ લડી લેવાનો નિર્ણય કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે. ચીને ઝડપથી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીન પોતાનાં વિવિધ રાજ્યની હોસ્પિટલોમાં બ્લડ જમા કરવા લાગ્યું છે કે જેથી યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સારવાર માટે બ્લડ સહેલાઇથી ઉપલબ્ધ બની શકે.

આ ઉપરાંત બોર્ડર પર ચીન પોતાના સૈનિકો માટે ખાસ બ્લડ બેન્ક ઊભી કરી રહ્યું છે. ચીનનાં સુરક્ષા દળો ભારત સાથેના યુદ્ધ દરમિયાન તિબેટના એરપોર્ટનો પણ ઉપયોગ કરવાની રણનીતિ ઘડી રહેલ છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ ચીની લશ્કર ‌પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ચીનના હુનાન પ્રાંતના ચાંગ્સાની એક હોસ્પિટલમાં બ્લડ બેન્કનું સ્થળાંતર કર્યું્ છે અને આ બ્લ્ડ બેન્કમાં સ્થાનિક સરકાર બ્લડ જમા કરાવવા માટે એક અભિયાન ચલાવી રહી છે.

આ સિવાય ચીનના હુબેઇ પ્રાંત અને ગુઆંગ્શી ઝુઆન્ગ સ્વાયત્ત ક્ષેત્ર સહિત કેટલાય પ્રાંતની મોટી હોસ્પિટલોમાં રકતદાન શિબિરો દ્વારા મોટા પાયે બ્લડ એકત્ર કરવામાં આવી રહ્યું છે.

હવે એલઓસી પર ચીનની ઘૂસણખોરી વધી શકે છે
ડોકલામ પર ચીનના સૈન્ય સાથે જારી તણાવ વચ્ચે ભારતીય આર્મી કેટલાક નવા પડકારોનો સામનો કરવા જઇ રહી છે. ભારતીય સંરક્ષણ સંસ્થાનો સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર નાની-મોટી ઘૂસણખોરી અને ઉશ્કેરણીજનક હરકતોમાં વધારો થઇ શકે છે. બીજી બાજુ બંને દેશો વચ્ચેના તણાવને ઓછો કરવા પૂર્વ લદ્દાખમાં બોર્ડર પર્સોનલ મિટિંગ (બીપીએમ) યોજાઇ હતી.

ચીની મીડિયાએ ડોકલામ પર સાત પાપ ગણાવ્યા
ચીની મીડિયા ડોકલામ મુદ્દે ભારતની મજાક ઉડાવી રહ્યા છે અને ડોકલામ મુદ્દે ભારતના સાત પાપ ગણાવ્યાં હતાં. આ અંગે એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમાં એક છોકરીએ નકલી દાઢી અને પાઘડી પહેરી છે, જેને ભારતના સ્વરૂપમાં બતાવવામાં આવી છે. આ સાત પાપમાં અતિક્રમણ, સમજૂતીનો ભંગ, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ, નાના પાડોશીને ધમકી, પીડિતો પર આરોપ વગેરે ગણાવવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like