ચીનને ઓફિસીસમાં પણ ચિઅરલીડર્સની જરૂર પડી

સ્પોર્ટ્સના મેદાન પર રમતોની સાથે બીજુ આકર્ષણ ચીયરલીડર્સનું હોય છે. થોડાં વર્ષો પહેલાં ક્રિકેટ અને ચિઅરલીડર્સને કંઈ લેવા દેવા ન હતી, પણ ‘ઈન્ડિયન પ્રીમિયર લીગ’ પછી ટી-૨૦ ફોર્મેટમાં તેની હાજરી અનિવાર્ય બનવા લાગી છે. અત્યાર સુધી ચિઅરલીડર્સની હાજરી ઈવેન્ટ અને સ્પોર્ટ્સ પૂરતી મર્યાદિત હતી, પણ હવે તેની એન્ટ્રી કોર્પોરેટ ઓફિસમાં થવા લાગી છે. ચીનની ટેક્નો કંપનીઓએ કર્મચારીઓ સારામાં સારું આઉટપુટ આપે તે માટે ઓફિસમાં ચિઅરલીડર્સની પોસ્ટ ઊભી કરી છે.

માહિતી મુજબ, કંપનીઓનું કહેવું છે કે ચિઅરલીડર્સની હાજરીથી કર્મચારીઓ મેન્ટલી ફ્રેશ રહેશે અને સારામાં સારી ક્રિએટિવિટી સાથે કામ કરશે. જેનાથી કંપનીને ફાયદો થશે. આ ચિઅરલીડર્સ પુરુષ કર્મચારીઓ સાથે પિંગ પોન્ગ જેવી ગેમ રમવી, બ્રેકફાસ્ટ આપવો, વાતચીત કરવાની સાથે તેને કામ કરવા સતત પ્રેરણા આપવી જેવાં કામ કરશે.

આજના ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટના જમાનામાં આવી વાત બને, અને સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય તેવું બને? ચીનની આ ટેક્નો કંપનીના કર્મચારીઓએ ચિઅરલીડર્સની વાત સોશિયલ મીડિયા પર તસવીરો સાથે પોસ્ટ કરી અને દુનિયાભરમાં આ વાત ફેલાઈ ગઈ. આ વાતને લઈને હકારાત્મક અને નકારાત્મક બંને અભિગમો જોવા મળ્યા છે.

જો કે કંપનીનું કહેવું છે કે, ચિઅરલીડર્સને સૌપ્રથમ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ તેને કર્મચારીઓને મોટિવેટ કરવાનું કામ સોંપવામાં આવે છે. તેની ખાસિયત એ હોય છે કે, એ કંપનીના કર્મચારીઓ સાથે આસાનીથી હળીમળી જાય છે. આ પ્રયોગ માત્ર અને માત્ર સારામાં સારું આઉટપુટ મેળવવા માટે કરવામાં આવે છે.

You might also like