ચીન કૂણું પડ્યુંઃ માનસરોવર યાત્રા અંગે વાત કરવા તૈયાર

નવી દિલ્હી: ભારત સાથે સરહદને લઈ ચાલતા વિવાદમાં આખરે ચીને કૂણું વલણ અપનાવ્યું છે, જેમાં કૈલાસ માનસરોવરની યાત્રા અંગે તે ભારત સાથે વૈકલ્પિક માર્ગ અપનાવવાની દિશામાં વાતચીત તૈયાર છે. બીજી તરફ ભારતે પણ ચીનની આવી તૈયારી સામે વાતચીત માટે સંમતિ દર્શાવી છે.

આ અંગે ભારત ખાતેના ચીન દૂતાવાસના પ્રવકતા શીએ લિયાને જણાવ્યું કે માનસરોવર યાત્રા અંગે બંને દેશોએ પરસ્પર સમજૂતી કરવાની દિશામાં પહેલ કરી છે, જેમાં નાથુલાના માર્ગેથી શિજાંગની યાત્રામાં સાત જૂથમાં કુલ 350 યાત્રિકો જોડાય તેવી સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં યાત્રિકો રવાના થતાં પહેલાં ભારતીય સીમા સુરક્ષા દળના જવાનો ચીનના વિસ્તારમાં આવી ગયા હતા અને તેમણે ડોકલામમાં ચીનની સેનાની કાર્યવાહીને ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેથી ભારતીય યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ નાથુલા વિસ્તારના શિજાંગમાં તેમને જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ચીનની આવી કાર્યવાહીને ભારત તરફથી એવી રીતે જોવામાં આવી હતી કે ચીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી છે. તેથી ભારત તેનાથી ચિં‌તિત છે અને ચીનને જણાવ્યું હતું કે આવી સ્થિતિથી ભારત પર ગંભીર અસર પડી શકે તેમ છે.

દરમિયાન આ મામલે ચીને જણાવ્યું છે કે તે ભારતીયોની ધાર્મિક લાગણીનું સન્માન કરે છે. તેથી કૈલાસ માનસરોવરની યાત્રાને મહત્ત્વ આપે છે. 80ના દાયકાથી જ આ યાત્રાને લઈ બંને દેશ વચ્ચે સહમતી થયેલી છે. તેથી આ બાબતે ચીને પણ બંને દેશ વચ્ચે સારા સંબંધો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કર્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભારત અને ચીન વચ્ચે સરહદને લઈ તણાવની સ્થિતિ ચાલી રહી ત્યારે હવે ચીને ભારત સાથે આ મુદ્દે અને ખાસ કરીને માનસરોવરની યાત્રા અંગે વાતચીત કરવા તૈયારી દર્શાવી છે અને આ માટે ચીને ભારતને તેની જાણકારી આપી દીધી છે.

ભારતનું વલણ પણ સાફ રહેશે
દરમિયાન ભારતે આ મામલે જણાવ્યું છે કે ચીન દ્વારા જે તૈયારી દર્શાવવામાં આવી છે તેની સામે ભારતનું પણ વલણ સાફ રહેશે, પરંતુ સરહદી વિવાદ અંગે કૂટની‌િતથી જ ઉકેલ આવી શકે તેમ છે. સંરક્ષણ રાજ્યપ્રધાન સુભાષ ભામ્રેએ જણાવ્યું કે આ મુદ્દાને કૂટનૈતિક રીતે હલ કરવાની જરૂર છે અને ચીનના સૈનિકોએ ભુતાનની સરહદમાં ઘૂસવું ન જોઈએ, કારણ તેનાથી ભારતીય જવાનોની સુરક્ષા સામે ખતરો ઊભો થઈ શકે તેમ છે. આમ, ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં ચીને આ મુદ્દે કૂણું વલણ દાખવતાં તે અંગે બંને દેશ વચ્ચે વાતચીત થાય તેવી સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like