ચીન ભલે ઉગ્ર નિવેદનો કરે, પરંતુ યુદ્ધ ઈચ્છતું નથીઃ ભારતને ભરોસો

નવી દિલ્હી: ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ આમનેસામને આવી ગઈ છે અને બેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. ચીન તરફથી ભારત પર દબાણ લાવવાની કોશિશ ચાલુ છે. ચીન યુદ્ધની ધમકી આપી રહ્યું છે, પરંતુ ભારતને ભરોસો છે કે ચીન આક્રમક નિવેદનબાજી કરતું હોવા છતાં યુદ્ધ ઈચ્છતું નથી, ભલે કદાચ નાનું કોઈ લશ્કરી ઓપરેશન હાથ ધરશે.
ભારતીય સુરક્ષા પ્રતિષ્ઠાનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશો માટે હવે કોઈ સંઘર્ષ ટાળવાનો એક જ ઉપાય છે કે બંને દેશો એકસાથે ડોકલામમાંથી પોતાની સેનાઓ હટાવી લે. સૂત્રોએ જોકે જણાવ્યું હતું કે જો યુદ્ધ છેડાશે તો ભારતીય સેના પણ સંપૂર્ણપણે સજ્જ છે.

ડોકલામમાં સર્જાયેલી મડાગાંઠને ૫૦ કરતાં વધુ દિવસો વીતી જવા છતાં આ મડાગાંઠનો કોઈ ઉકેલ આવ્યો નથી. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સંસદમાં પણ કહ્યું હતું કે દ્વિપક્ષીય વાટાઘાટો, ધીરજ અને ભાષાનો સંયમ જ તંગદિલી દૂર કરી શકે છે, યુદ્ધ એ કોઈ ઉકેલ નથી.

ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલે પણ ચીનના પોતાના સમકક્ષ તેમજ પ્રમુખ શી જિનપિંગ સાથે આ વિવાદ ઉકેલવા બેઠક કરી હોવા છતાં હજુ સુધી આ મડાગાંઠ ઉકેલાઈ નથી. બંને દેશો તરફથી ડોકલામમાં સૈન્યનો ખડકલો ચાલુ છે. ચીનના પ્રમુખ તરફથી પણ વારંવાર એવું નિવેદન કરવામાં આવી રહ્યું છે કે તેમની સેના તમામ રીતે સુસજ્જ છે, પરંતુ તેમના તરફથી આ મડાગાંઠને ઉકેલવા કોઈ શાંતિપૂર્ણ રીત અપનાવવામાં આવતી નથી.

ડોકલામ ખાતે ચીની સૈનિકોએ રસ્તાનું નિર્માણ કરતાં ભારતીય સૈનિકોએ તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ વણસી હતી.

You might also like