ચીને નવો કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો

બીજિંગઃ ચીને એક એવા નવા કોમ્યુનિકેશન સેટેલાઈટનુ લોન્ચિંગ કર્યું છે કે જેની મદદથી હાઈ સ્પીડ ટ્રેનના યાત્રિક એચડી વીડિયો આસાનીથી જોઈ શકશે. ચીને તેના પ્રથમ હાઈ થ્રુપુટ સેટેલાઈટ શિંજિયાન-૧૩ને સિચુઆન પ્રાંતમાં આવેલા શિચાંગ સેટેલાઈટ સેન્ટરમાં લોન્ચ કર્યો છે.જેનાથી એક સેકન્ડમાં ૨૦ જીબીની ઈન્ટરનેટ સ્પીડ મળી શકશે.
લોન્ચ માર્ચ ૩-બી રોકેટની મદદથી સેટેલાઈટને તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

આ સેટેલાઈટની ટ્રાન્સફર ક્ષમતા ૨૦ જીબીપીએસ છે. અને તેનું આયુષ્ય ૧૫ વર્ષ છે. આ સેટેલાઈટની સંદેશા ક્ષમતા ચીનના અગાઉના તમામ કોમ્યુનિકેશન સેટેલાઈટની ક્ષમતા કરતા વધુ છે. તે વિમાન અને હાઈસ્પીડની ટ્રેન ઉપરાંત ઓછા વિકસીત ક્ષેત્રમાં વધુ સારી રીતે ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ સેટેલાઈટ તેની બ્રોડબેન્ડ મલ્ટીમીડિયા સેટેલાઈટ કોમ્યુનિકેશન પ્રણાલી અને જમીન તથા સેટેલાઈટ વચ્ચે હાઈસ્પીડ લેઝર કોમ્યુનિકેશન ટેકનોલોજીનું પરીક્ષણ કરશે.

સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈન્ડસ્ટ્રી ફોર નેશનલ ડિફેન્સના મુખ્ય એન્જિનિયર તિયાન યુલોંગે જણાવ્યું કે આ પરીક્ષણ ચીનની કોમ્યુનિકેશન સેટેલાઈટ ટેકનોલોજીમાં પાયાના પથ્થર સમાન છે. ફયુઅલ તરીકે રસાયણનો ઉપયોગ કરનાર અગાઉના સેટેલાઈટથી અલગ પડીને શિજિયાન-૧૩ એ પહેલો સેટેલાઈટ છે કે જે વીજળીથી ચાલશે. શિંજિયાન-૧૩ સેટેલાઈટની પ્રણાલીના કમાન્ડર ઈન ચીફ જોઉ ઝિચેંગે જણાવ્યું કે ઈંધણ તરીકે વીજળીનો ઉપયોગ કરવાથી આ સેટેલાઈટ અન્ય સેટેલાઈટની સરખામણીએ દસ ગણી ક્ષમતા ધરાવતો થઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
http://sambhaavnews.com/

You might also like