મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવાના પ્રયાસોને નિષ્ફળ બનાવતું ચીન

નવી દિલ્હી: જૈશ-અે-મહંમદના વડા મસૂદ અઝહરને પ્રતિબંધિત યાદીમાં મૂકવાના ભારતના પ્રયાસોને ચીને ફરી નિષ્ફળ બનાવી દીધા છે. પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ જૈશ-એ-મહંમદના વડા મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા ભારતે યુએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેની સામે ચીને વીટો પાવરનો ઉપયોગ કરી ડેડલાઈનના થોડા કલાક પહેલાં જ યુએન કમિટીને આવો નિર્ણય નહિ લેવા જણાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સમિતિ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-અે-મહંમદના પ્રમુખ પર પ્રતિબંધને લઈને વિચારણા કરવાની હતી. પરંતુ ડેડલાઈનના થોડા કલાક પહેલાં જ ચીને આ મુદાને રોકી દેવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદ સાથે સંકળાયેલા ૧૧ શખ્સ અને અેક સંગઠનની યાદી ગત ૧૮ ફ્રેબ્રુઆરીએ આઈએસઆઈ અને અલ કાયદાની પ્રતિબંધ સમિતિને સોંપી હતી. સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૦૧માં જૈશ-અે-મહંમદ પર પ્રતિબંધ લગાવાયો હતો, પરંતુ અઝહર પર પ્રતિબંધ લાદવાના ભારતના પ્રયાસોને સફળતા મળતી નથી. કારણ સુરક્ષા પરિષદના પાંચ સભ્ય દેશ પૈકી ચીન આ બાબતને મંજૂરી આપતું નથી.

ભારતે યુએન સમક્ષ રજૂ કરેલા પ્રસ્તાવમાં જણાવ્યું છે કે જો મસૂદ પર પ્રતિબંધ લગાવવામાં નહિ આવે તો તે દ‌િક્ષણ અેશિયાના બીજા દેશો માટે ખતરારૂપ બની શકે છે. આ અંગે ભારત તરફથી આપવામાં આવેલા પુરાવાની તપાસ યુએનની કાઉન્ટર ટેરરિઝમ અેકિઝક્યુ‌િટવ ડાયરેકટરે કરી હતી. ત્યારબાદ ટેક‌િનકલ ટીમે અમેરિકા, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના સમર્થન બાદ તેની માહિતી તમામ સભ્યોને આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે જો સુરક્ષા પરિષદના પાંચ સભ્ય દેશ સંમ‌િત આપે તો પ્રતિબંધિત યાદીમાં અઝહરને સામેલ કરવાની ઔપચા‌િરક મંજૂરી આપવામાં આવશે.

જોકે ડેડલાઈનના થોડા કલાક પહેલાં ચીને આ નિર્ણયને થોડા સમય માટે રોકી દેવા જણાવ્યું હતું. અગાઉ પણ ચીન આવું કરી ચૂક્યું છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સાથે ચર્ચા કર્યા બાદ ચીને આવું પગલું ભર્યું છે. ૨૦૦૮માં મુંબઈ હુમલા બાદ ભારતે ફરી અેક વાર મસૂદ અઝહરને પ્રતિબંધિતની યાદીમાં સામેલ કરવા અપીલ કરી હતી. પરંતુ તે વખતે પણ ચીને વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.

You might also like