ચીને પોતાનું સૌથી ખતરનાક ફાઈટર પ્લેન જે-૨૦ દુનિયાને દેખાડ્યું

બીજિંગ: ચીને પોતાના સૌથી શક્તિશાળી અને નવી જનરેશનના સ્ટીલ્થ ફાઈટર પ્લેન જે-૨૦ દુનિયા સમક્ષ લોન્ચ કર્યું હતું. મંગળવારે સૌથી મોટા એર શોમાં ચીને રડારની પકડમાં પણ આવે નહીં એવાં સ્ટીલ્થ ફાઈટર પ્લેનની ખૂબીઓ અને ખાસિયતો રજૂ કરી હતી. શસ્ત્રોની બાબતમાં સતત નવી ચીજો વિકસીત કરી રહેલા ચીનના આ ફાઈટર પ્લેનથી ભારત પર અસર પડી શકે છે. એટલા માટે જ પાકિસ્તાને આ ફાઈટર પ્લેન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ચીનના વાંગતોંગ પ્રાંતના જુહાએમાં મંગળવારથી શરૂ થયેલા સૌથી મોટા એર શો દરમિયાન ચીને પ્રથમ વાર બે જે-૨૦ ફાઈટર્સ પ્લેનના જાહેરમાં કરતબ દર્શાવ્યાં હતાં. આ શોમાં પાકિસ્તાની વાયુ દળ પણ પોતાના જે-૧૭ થંડર જેટ સાથે સામેલ થયું છે. આ ફાઈટર પ્લેનનું નિર્માણ પાકિસ્તાન અને ચીને સાથે મળીને કર્યું છે.

અહેવાલો અનુસાર ચીન જેટ-૨૦ ફાઈટર પ્લેનને ભારત-ચીન સરહદ પર તહેનાત કરનાર છે. જોકે ચીની નિષ્ણાતોએ આ અહેવાલને ફગાવી દીધા છે તેમનું કહેવું છે કે ભારત-ચીન સરહદ આ ફાઈટર જેટની તહેનાતી માટે યોગ્ય સ્થળ નથી, કારણ કે અહીં જે દુનિયાનું સૌથી ઊંચું એરપોર્ટ છે ત્યાં જે-૨૦ની સુવિધા ઉપલબ્ધ નથી અને તેનાથી તેની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ચીન જો જે-૨૦ ફાઈટર પ્લેનની તહેનાતી કરીને ભારતને નિશાન બનાવવા માગતુ હોય તો તે આવું ત્યારે જ કરી શકે ત્યારે વિમાનની જાળવણી અને ઓપરેશન માટે સુવિધાઓ વિકસાવે. જોકે જે-૨૦ ફાઈટર વિમાન એ ચીનની સૌથી મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે.

You might also like