ચીનને ઘેરવા ભારત વિયેતનામને આકાશ મિસાઈલ વેચવા તૈયાર

નવી દિલ્હી: ચીનને ઘેરવા માટે ભારત વિયેતનામ સાથે વેપાર અને લશ્કરી સંબંધ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેમાં ભારત વિયેતનામને જમીન પરથી હવામાં હુમલો કરી શકે તેવી સ્વદેશી મિસાઈલ વેચવાની તૈયારી કરી રહ્યુ છે. આ અંગે હાલ બંને દેશ વચ્ચે સક્રિય વાતચીત ચાલી રહી છે.

અેશિયા-પેસિફિક વિસ્તારમાં ચીનના વધતા જોરનો સામનો કરવા માટે ભારત આવા પ્રયાસો કરી રહ્યુ છે. ચીન એનએસજીમાં ભારતના પ્રવેશ અને જૈશ એ મહંમદના વડા મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના પ્રસ્તાવનો સતત વિરોધ કરી રહ્યું છે.તેમજ ચીને હિન્દ મહાસાગર વિસ્તારમાં તેની નૌસેનાની હિલચાલને સક્રિય કરી રહ્યું છે ત્યારે ભારત ચીનને ઘેરવા આવી કોશિશ કરી રહ્યું છે. જ્યારે જાપાન અને વિયેતનામ સાથેના ભારતના રણનૈતિક અને સેનાની ભાગીદારીને પણ આ સંદર્ભમાં જ જોવામાં ‍આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિયેતનામને આકાશ મિસાઈલ વેચવા માટે હાલ વાતચીત ચાલી રહી છે. આ પહેલાં ભારતે વિયેતનામને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને સ્વદેશી સબમરિન રોધી ટાેર્પિડો વરુણાસ્ત્ર પણ આપવા પ્રસ્તાવ કર્યો હતો. ભારત આ વર્ષે જ વિયેતનામના ફાઈટર પાઈલટને સુખોઈ-૩૦ એમકેએઆઈ ફાઈટર જેટ અંગે ટ્રેનિંગ પણ આપવાનું છે.

સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે પણ વિયેતનામને ભારતનો નજીકનો મિત્ર દેશ ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ બંને દેશ વચ્ચે સુરક્ષા સંબંધ વધારવા અનેક પ્રકારનાં પગલાં લેવાઈ રહ્યાં છે. જેમાં વિયેતનામની સેનાને અપગ્રેડ કરવા ઉપરાંત સૈનિકોને તાલીમ આપવામાં આવી રહી છે. ભારતે ૨૦૦૭માં વિયેતનામ સાથે રણનૈતિક ભાગીદારીની શરૂઆત કરી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં મોદીની હનોઈ યાત્રા વખતે તેને વ્યાપક રણનીતિ ભાગીદારી તરીકે વિકસાવવામાં આવી હતી. અને તે વખતે વિયેતનામે આકાશ મિસાઈલ ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. આકાશ મિસાઈલની સિસ્ટમ ૯૬ ટકા સ્વદેશી છે.

home

You might also like