ચીનને પાછળ રાખી આર્થિક વિકાસમાં ભારત આગળ નીકળી જશે

નવી દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક અભ્યાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આવનારાં વર્ષોમાં ચીનના આર્થિક વિકાસમાં ઝડપથી ઘટાડો જોવાઇ શકે છે તેમ જણાવ્યું છે. હાર્વર્ડ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના અભ્યાસ રિપોર્ટ અનુસાર આવનારાં વર્ષોમાં ૨૦૨૫ સુધીમાં ચીનનો આર્થિક વિકાસ ઘટીને ૪.૪૧ ટકા સુધી પહોંચી શકે છે તો બીજી બાજુ ભારતનો આર્થિક વિકાસ ઝડપથી વધીને ૭.૭૨ ટકાથી પણ ઊંચો જોવાઇ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વૈશ્વિક આર્થિક વિકાસનું કેન્દ્ર આગામી દશકામાં ચીનથી બદલાઇને ભારત આગળ થઇ જશે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારત સિવાય વિયેતનામ, ઇન્ડોનેશિયા, યુગાન્ડા, કેન્યા અને મેક્સિકો જેવા દેશોનો આર્થિક વિકાસ પણ ચીનની સરખામણીએ ઝડપી જોવાઇ શકે છે. એક દશકામાં ચીનમાં ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ થયો હતો, પરંતુ હવે તેની ગતિ ધીમી પડી શકે છે.

ચીનનો આર્થિક વિકાસદર આગામી દશકામાં વૈશ્વિક એવરેજ ગ્રોથ ૪.૪ ટકાની નજીક રહેશે. વર્તમાન સમયમાં ઝડપી દરથી આર્થિક વિકાસ થઇ રહ્યો છે તેની તુલનામાં આ દર ખૂબ જ નીચો રહેશે તેવું અભ્યાસ રિપોર્ટમાં જણાવાયું છે. ભારત, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશોએ ઊર્જાના વૈકલ્પિક સ્રોતને પણ વિકસિત કર્યો છે, જેનાથી આર્થિક વિકાસને સપોર્ટ મળશે.
http://sambhaavnews.com/

You might also like