ચીને દક્ષિણ ચીન સાગરમાં ૧૬ મિસાઈલો તહેનાત કરી

વોશિંગ્ટન: દક્ષિણ ચીન સાગરમાં તંગદિલી વધી શકે છે. ચીનના લશ્કરે અહીંના એક વિવાદિત ટાપુ પર અમેરિકાના પ્રમુખ ઓબામાની અપીલની ઉપેક્ષા કરીને જમીનથી આકાશમાં પ્રહાર કરતી આધુનિક મિસાઈલ સિસ્ટમ તહેનાત કરી દીધી છે અને એક રડાર સિસ્ટમનું સેટઅપ પણ બનાવી દીધું છે. ફોકસ ન્યૂઝે ઈમેજ સેટ ઈન્ટરનેશનલની તસવીરોને ટાંકીને પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે.

ચીને આ પગલું આ વિસ્તારમાં અમેરિકા અને ભારતની સંયુક્ત નૌકા પેટ્રોલિંગના સમાચારો વચ્ચે ઉઠાવ્યું છે. દક્ષિણ ચીન સાગર પર ચીન પોતાનો અધિકાર જમાવી રહી છે. પેન્ટાગોન સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને દક્ષિણ ચીન સાગરમાં ૮ મિસાઈલોના બે સેટ એટલે કે ૧૬ મિસાઈલો તહેનાત કરી દીધી છે. વુડી ટાપુ પર તાઈવાન અને વિયેટનામ પણ પોતાનો દાવો કરી રહ્યા છે.

આ મિસાઈલો ૧૪ ફેબ્રુઆરીના રોજ વુડી ટાપુ પર લાવવામાં આવી હતી. ફોટોગ્રાફમાં એચએચક્યુ-૯ ડિફેન્સ મિસાઈલ્સ સિસ્ટમ દેખાઈ રહી છે તેની રેન્જ ૨૦૦ કિ.મી. સુધીની છે. પેન્ટાગોનના પ્રવકતા બિલ અર્બને જણાવ્યું છે કે આ મામલો ગુપ્તચર બાબતોને લગતો હોઈ અમે તેના પર ટિપ્પણી કરી શકીએ નહીં, પરંતુ હાલ અમે તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

You might also like