પાકિસ્તાનને મોટો ઝટકો: આતંકવાદના મુદ્દે UNSCમાં ચીને ભારતને સાથ આપવો પડ્યો

(એજન્સી) વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં પુલવામા આતંકી હુમલાની આકરી ટીકા કરતું જે રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું તેમાં ચીને પાકિસ્તાનનો સાથ છોડીને ભારતનું સમર્થન કરતા સમીકરણો બદલાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોએ પુલવામા આત્મઘાતી હુમલાની ટીકા કરીને તેને જઘન્ય અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું.

સુરક્ષા પરિષદે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરીને આવા આતંકી હુમલા માટે જવાબદાર દોષીઓને કડક સજા કરવા જણાવ્યું હતું. સૌથી અગત્યની વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી સંસ્થાએ જારી કરેલા નિવેદનમાં મસૂદ અઝહરની આગેવાનીવાળા આતંકી સંગઠન જૈશનું સીધું નામ લીધું છે.

પુલવામા હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિપ્લોમસીની મોટી જીત થઈ છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલે ફક્ત પુલવામા હુમલાની ટીકા જ નથી કરી, પણ ભારતને આ હુમલાનો બદલો લેવાની ખુલ્લી છૂટ આપી દેતાં પાકિસ્તાન અને ચીનને મોટો ઝટકો લાગ્યો હતો. કાઉન્સિલે અપીલ કરી છે કે, પુલવામા હુમલાના ગુનેગારોને સજા અપાવવા માટે તમામ દેશ ભારતને સહયોગ આપે.

આ વખતે પણ ચીને શરૂઆતમાં સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને સાથ આપવાની કોશિશ કરી હતી, પણ તેનો એક પણ દાવ સફળ થયો ન હતો. આખરે મજબૂર થઈને ચીને જૈશ અને તેના વડા મસૂદ અઝહર વિરુદ્ધનાં નિવેદન પર સહી કરવી પડી હતી.

ચીને આ વખતે પણ પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો અને જૈશના આતંકી ચીફ મસૂદ અઝહરને બચાવવાની ભરપૂર કોશિશ કરી હતી. ચીને આ નિવેદનમાંથી જૈશનું નામ હટાવવા પણ જણાવ્યું હતું. ચીને એવી પણ કોશિશ કરી હતી કે, નિવેદનમાં ‘જમ્મુ-કાશ્મીર’ની જગ્યાએ ‘ભારતના કબ્જાવાળા કાશ્મીર‘ એવું લખવામાં આવે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયાના આક્રમક વલણ જોઈને ચીને પીછેહઠ કરવી પડી હતી અને તે ભારતનું સમર્થન કરવા મજબૂર થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતે આજ સુધી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ત્યારે ચીને તેનો ઉગ્ર વિરોધ કરીને પાકિસ્તાનને જ સાથ આપ્યો છે. ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાં સામેલ છે. આથી તેની પાસે વિટોનો પાવર છે.

ભારતના પ્રસ્તાવ પર યુએનએસસીના પી-5 દેશો (કાયમી સભ્યો) અને ૧૦ અસ્થાયી સભ્યોએ પુલવામા આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી. ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. સુરક્ષા પરિષદે સભ્યોએ જવાનોના પીડિત પરિવારો, ઘાયલ લોકો અને ભારત સરકાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સાંત્વના જાહેર કરી હતી. હુમલામાં ઘાયલ થયેલા જવાનો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી કામના પણ કરવામાં આવી હતી.

સુરક્ષા પરિષદના દેશોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, આતંકવાદ કોઈ પણ રૂપમાં હોય, તેને સાંખી લેવામાં આવશે નહીં. આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. સુરક્ષા પરિષદના દેશોએ જણાવ્યું હતું કે, આતંકવાદના ષડ્યંત્રકારો, આકાઓ અને ફંડ આપનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. જે લોકો અને સંગઠન આવા કૃત્યો માટે જવાબદાર છે તેમને ન્યાયના કઠેડામાં ઊભા કરવાની જરૂર છે.

You might also like