ઈતિહાસમાં પ્રથમ વખત કાશ્મીરમાં ચીનના ઝંડા દેખાયા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમવાર ચીનના ઝંડા જોવા મળ્યા છે. આ અગાઉ કાશ્મીર ખીણમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ તો અનેક વખત અલગતાવાદીઓના દેખાવો અને પ્રદર્શનોમાં જોવા મળ્યાં હતાં, પરંતુ હવે આજ કાલ કાશ્મીર ખીણમાં ચીનના ઝંડા પણ જોવા મળી રહ્યા છે.

અહેવાલો અનુસાર શુક્રવારે બારામુલ્લાના ઓલ્ડ સિટી વિસ્તારમાં જુમ્માની નમાજ બાદ ચીનના ઝંડા જોવા મળ્યા હતા. કાશ્મીર ખીણમાં અત્યાર સુધીમાં પાકિસ્તાનના ઝંડા તો ઘણી વાર જોવા મળ્યા છે, પરંતુ ચીનના ઝંડા અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત કાશ્મીરમાં જોવા મળતા ચકચાર મચી ગઈ છે.

અહેવાલોમાં જણાવ્યા અનુસાર કાશ્મીર ખીણમાં ચીનના ઝંડા દેખાડનાર લોકોનું કહેવું હતું કે ચીન પણ તેમને મદદ કરે. બારામુલ્લામાં ચીનના પાંચથી છ ઝંડા જોવા મળ્યા હતા. જે લોકોએ ચીનના ઝંડા લહેરાવ્યા હતા, તેમણે પોતાના મોં ઢાંકેલા રાખ્યાં હતાં. વિરોધ કરી રહેલા આ લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. તેમને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુના સેલ પણ છોડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપ્રમુખ આજે બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા ભારતમાં આવ્યા છે. આજે શી જિનપિંગ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વાતચીત કરશે. શી જિનપિંગની ભારત યાત્રાના સંદર્ભમાં કાશ્મીર ખીણમાં ચીનના ઝંડા બતાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ કાશ્મીર ખીણમાં તંગદિલી પ્રવર્તે છે.

You might also like