ચીનની અવળચંડાઈઃ ૧૦૧ વર્ષનાં એથલીટ મન કૌરને વિઝા ના આપ્યા

ચંડીગઢઃ ૧૦૧ વર્ષનાં એથ્લીટ મન કૌર વિઝા નહીં મળવાને કારણે ચીનના રુગાઓમાં ગત ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થયેલી ૨૦મી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે. મન કૌરના ૭૯ વર્ષીય પુત્ર ગુરદેવસિંહે કહ્યું, ”ચીની દૂતાવાસે એવું કહીને વિઝા નકારી કાઢ્યા કે તેમની પાસે આયોજકોનું અંગત નિમંત્રણ નથી.”

ચંડીગઢનાં મન કૌર આ વર્ષે ઓકલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સમાં ૧૦૦ મીટરની દોડ જીત્યાં હતાં. ચીનના રુગાઓમાં ચાલી રહેલી એશિયન માસ્ટર્સમાં તેમણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ, ગોળાફેંક અને ભાલાફેંક સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. તેઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યાં હતાં. મન કૌરના પુત્ર ગુરદેવસિંહ લાંબી કૂદ, ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ભાગ લેવાના હતા. તેમણે કહ્યું, ”ચીનથી જ અમારે કેનેડા અને અમેરિકા જવાનું હતું. હવે ફરીથી ટિકિટ બુક કરાવવી પડશે. કેનેડામાં મન કૌરને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થવાનો છે. તેમનું નામાંકન લોરિયસ વર્લ્ડ બેસ્ટ સ્પોર્ટિંગ મોમેન્ટ ઓફ ધ યર-૨૦૧૭ એવોર્ડ માટે પણ થયું છે.

You might also like