ડોકલામ મુદ્દે ચીનની ધમકીઃ ભારતીય સેના હટે, હવે સંયમની હદ વટાવી ગઈ છે

બીજિંગ: ભારત તરફથી ડોકલામમાં શાંતિપૂર્વક વાટાઘાટના તમામ પ્રયાસો છતાં ચીનની ધમકીઓ ચાલુ છે. આ વખતે ચીનના લશ્કરે ડોકલામના મુદ્દે ભારતના મુદ્દે ધમકી આપી છે. ચીનની સેના તરફથી જણાવાયું છે કે હવે સંયમની સીમા ખતમ થઈ ગઈ છે અને ભારતે ડોકલામમાંથી તેની સેનાઓ તાત્કાલિક હટાવી લેવી જોઈએ નહીંતર તેનાં ગંભીર પરિણામો આવશે.

ચીનની સેના પીએલએ તરફથી જારી કરવામાં આવેલાં નિવેદનમાં જણાવાયું છે કે ચીન પોતાની સરહદનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા અને પીએનએલના કર્નલ રેન ગુઓકિયાંગે જારી કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ચીને ગુડવિલ દાખવીને આ મામલાને અત્યાર સુધી રાજદ્વારી માર્ગ અપનાવ્યો છે, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે અને હવે સંયમ અને સહનશક્તિની મર્યાદા ખૂટી ગઈ છે.

આ ઉપરાંત ચીનના એક વરિષ્ઠ રાજદ્વારી લીયુ જિનસોંગે પણ જણાવ્યું છે કે ભારતના સૈનિકોએ ગેરકાયદે ડોકલામ વિસ્તારમાં પ્રવેશ કર્યો છે અને જણાવ્યું છે કે જો ડોકલામમાંથી ભારત પોતાના સૈનિકોને નહીં હટાવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

સાથે સાથે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ પણ ભારત પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભારત એ ભ્રમમાંથી બહાર નીકળી જાય કે વિલંબ કરવાથી ડોકલામની સમસ્યા હલ થઈ જશે. ધમકીના અંદાજમાં ચીની સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે ચીનની જમીન કોઈ પણ દેશ છીનવી શકશે નહીં. ચીનનું લશ્કર પોતાની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સક્ષમ છે.  વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં ચીન મામલે નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી.

You might also like