ચીનનાં સૌથી મોટા ‘ઝિયોન’ સહિતનાં અનેક ચર્ચ બળજબરીથી બંધ કરી દેવાયાં

બીજિંગ: ચીનની રાજધાની બીજિંગ સહિત કેટલાંય શહેરોમાં અધિકારીઓ દ્વારા બાઇબલ સળગાવીને તેમજ હોલી (પવિત્ર) ક્રોસમાં તોડફોડ કરીને કેટલાંય ચર્ચ બંંધ કરાવી દેવામાં આવ્યાં છે.

ખ્રિસ્તી લોકો પાસે એક દસ્તાવેજ પર સહી કરાવીને એવું લખાણ લઇ લેવામાં આવ્યું છે કે તેઓ ખ્રિસ્તી ધર્મ છોડી દેશે. પાદરીઓ અને ચીનના લઘુમતી સમુુદાય સાથે સંકળાયેલ એક ગ્રૂપે આ ચોંકાવનારી માહિતી આપી છે.

ચીનની રાજધાની બીજિંગમાં આવેલ સૌથી મોટું ચર્ચ ‘ઝિયોન’ બળજબરીપૂર્વક બંધ કરાવી દેવામાં આવ્યું છે. આ ચર્ચ પર લાઇસન્સ વગર તેનું સંચાલન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ચીનના કાયદા અનુસાર પ્રત્યેક ધાર્મિક સ્થળને વહીવટીતંત્રની માન્યતા અને મંજૂરી મેળવવી ફરજિયાત છે. છેલ્લા કેટલાક સમયથી ચીનની સામ્યવાદી સરકારે તમામ ધર્મ ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરી છે.

બીજિંગ ઉપરાંત કેટલાય પ્રાંતમાં ખ્રિસ્તી ધર્મના પવિત્ર ચિહ્ન હોલી ક્રોસ અને ધાર્મિક પુસ્તક બાઇબલનો નાશ કરવામાં આવ્યો છે. અમેરિકા સ્થિત ચીન એડ ગ્રૂપના બોબ ફુએ જણાવ્યું છે કે ચીનમાં ધાર્મિક માન્યતાની આઝાદીના ઉલ્લંઘન બદલ આંતરરાષ્ટ્રીય સમુદાયને એલર્ટ કરવો જોઇએ.

હાલ ચીનમાં ૩.૮ કરોડ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ છે. એવું માનવામાં આવે છે કે આગામી દાયકામાં ચીનમાં ખ્રિસ્તીઓની સૌથી મોટી વસ્તી હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વે ચીનની સરકારે એક મસ્જિદ તોડી પાડવાનો આદેશ કર્યો હતો, પરંતુ મુસ્લિમોના વિરોધ દેખાવોના કારણે આ આદેશ પાછો ખેંચવામાં આવ્યો હતો.

You might also like